ખાસ-ખબર સંવાદદાતા
આઈઆરસીટીસીની વેબસાઈટ હેક કરીને રેલવેના તત્કાલ કોટામાંથી ટિકિટ બુક કરીને મુસાફરોને ઊંચા ભાવે વેંચવાનું કૌભાંડ પકડાયું છે. રેલવે પોલીસ ફોર્સે આ કેસમાં ઉત્તર પ્રદેશના આરોપીની દિલ્હીમાંથી ધરપકડ કરી હતી. 30 લાખ રૂપિયાની ટિકિટનું કૌભાંડ બે વર્ષમાં થયું હતું. પોલીસને આ કૌભાંડમાં વધુ લોકોની સંડોવણીની શંકા છે. એ કેસમાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપી મોઈનુદ્દીન ચિશ્તી મૂળ ઉત્તર પ્રદેશનો છે અને નોઈડામાં રેલવે ટિકિટ બુકિંગની દુકાન ચલાવતો હતો. છેલ્લાં બે વર્ષથી એ રેલવેની વેબસાઈટ હેક કરીને તત્કાલ કોટામાં ગરબડો કરતો હતો. તત્કાલ કોટાની ટિકિટો બુક કરીને ઊંચા ભાવે મુસાફરોને આપતો હતો. એવું કરીને આ આરોપીએ 30 લાખ રૂપિયાનું કૌભાંડ કર્યાની શંકા છે.
અહેવાલો પ્રમાણે આઈઆરસીટીસીની વેબસાઈટ હેક કરવા માટે આ આરોપી નેક્સસ, સિક્કાવીટુ અને બિગબોસ સહિતના ગેરકાયદે સોફ્ટવેરનો ઉપયોગ કરતો હતો. આ સોફ્ટવેરની મદદથી આરોપીએ કેટલાય પ્રોફાઈલ ક્રિએટ કર્યા હતા અને તેમાંથી ટિકિટ બુક કરતો હતો. તેની મદદથી આરોપી વીઆઈપી અને તત્કાલ કોટાની ટિકિટ્સ સરળતાથી બુક કરી લેતો હતો.