ત્રીજું નોરતું એટલે દુ:ખ દુર કરનાર
અને પાપોથી મુક્તિ આપનાર
નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે મા ચંદ્રઘંટાની ઉપાસનાનો દિવસ છે. નવદુર્ગાનાં આ ત્રીજા સ્વરૂપની આજે પૂજા કરવામાં આવે છે . માતા ચંદ્રઘંટા દેવી પાર્વતીનું જ રૂપ છે. ચંદ્રઘંટા માતાનો વર્ણ સોનેરી છે. તે સિંહ પર સવાર છે. (કોઈક સ્થળે એમને વાઘ ઉપર સવાર થતા પણ દર્શાવ્યા છે.) માતાને દસ ભુજાઓ છે, જેમાં ત્રિશુળ, ખડગ, ધનુષ બાણ વગેરે જેવા શસ્ત્રો ધારણ કરેલા છે. એક હાથમાં કમળ પણ ધારણ કરેલું હોય છે. એમની ઉપાસના કરવાથી સર્વે વિપત્તિઓ અને સર્વે પ્રકારના ભ્રમનો નાશ થાય છે. ચંદ્રઘંટા નામનો અર્થ ‘ઘંટ આકારનો, અર્ધગોળ ચંદ્ર મસ્તક પર ધારણ કરનાર’ એવો થાય છે. એમને ત્રણ નેત્રો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મા ચંદ્રઘંટાનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. મા ચંદ્રઘંટાનું રૌદ્ર સ્વરૂપ ચંડી અથવા રણચંડી તરીકે પણ ઓળખાય છે
મા ચંદ્રઘંટાને સુલેહ, શાંતિ અને સમૃદ્ધિના પ્રતિક ગણવામાં આવે છે. એ સાથે જ ચંદ્રઘંટા દેવી હંમેશા યુદ્ધ માટે તૈયાર રહે છે. કોઈપણ દિશામાંથી આસુરી શક્તિનું અચાનક આક્રમણ થાય ત્યારે મા ચંદ્રઘંટા યુદ્ધ કરીને આસુરી શક્તિનો નાશ કરવા સદૈવ તત્પર હોય છે. પૌરાણિક કથા શિવમહાપુરાણ અનુસાર મા ચંદ્રઘંટા એ શક્તિનું સ્વરૂપ છે. ભગવાન શિવના દરેક સ્વરૂપમાં આ શક્તિ જોડાયેલી જોવા મળે છે. આજ કારણોસર શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ ઓળખાય છે. નવદુર્ગાનું સ્વરૂપ એક ચંદ્રઘંટા કહેવાય છે તેની પાછળનું એક કારણ છે. દેવીના મસ્તિષ્ક પર ઘંટાના આકારમાં ચંદ્ર રહેલો છે આથી તેમનું નામ ચંદ્રઘંટા પડ્યું છે. માતાનું શરીર અનન્ય આભાયુક્ત સોના જેવી કાંતિ ધરાવે છે. શીઘ્ર ફળ આપનાર – દેવીનું આ રૂપ ભયાનક છે, રૌદ્ર છે, આસુરી શક્તિઓનો સંહાર કરવાને હંમેશા તૈયાર છે. આ રૂપમાં જગદંબાએ અસુરોનો ખાત્મો બોલાવીને દેવતાઓને તેનો ભાગ મેળવી આપ્યો હતો. માતાની ભક્તિ કરવાથી વીરતાનો સંચાર થાય છે. અભયદાનની પ્રાપ્તિ માતાનું આ રૂપ કરાવે છે. કહેવાય છે કે, ચંદ્રઘન્ટા દેવીની સદાય તત્પરતાની મુદ્રાને લીધે તેઓ ભક્તોનાં દુ:ખ પણ ત્વરીત પામી જાય છે અને દૂર પણ કરે છે.
- Advertisement -
દુર્ગામાતાનું ત્રીજું સ્વરૂપ એટલે મા ચંદ્રઘંટા
મા ચંદ્રઘંટાનું રૂપ શૌર્યનું પ્રતીક છે. સિંહ પર સવાર દસ ભૂજાવાળી દેવી ચંદ્રઘંટાનું મુખ અસુરોને હણવાને સદાય તત્પર રહે તેવું ક્રોધાયમાન દીપી રહ્યું છે. એને દસ હાથ છે. ધનુષ બાણ, તલવાર, ત્રિશૂળ અને ગદા જેવાં હથિયારો માતાએ ધારણ કરેલાં છે. એ સાથે કમળ અને કમંડલ પણ તેમના હાથોમાં શોભે છે. માથે રત્નજડીત મુગટ છે તો ગળામાં શ્વેત પુષ્પમાળા રહેલી છે.