ચૂંટણીસભામાં ડાન્સરનો વીડિયો વાયરલ થયો
ચૂંટણીમાં મતદાર મતદાન દિવસનો રાજા કહેવાય છે, તેને રીઝવવા અને પોતાની તરફ મતદાન કરવા માટે ઉમેદવારો અને રાજકીય પક્ષો તમામ પ્રકારના પ્રલોભનો આપતા હોય છે. આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર આખરી પડાવ ઉપર છે. જે આજે સાંજે 5 વાગ્યે શાંત થશે. રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવારોએ મતદારોને રીઝવવા અને પોતાની તરફ કરવા અવનવી તરકીબો અજમાવી છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાતી કલાકારો અને ડાયરો તેમજ મનોરંજક પોગ્રામોનું ઘેલું હોય છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદાર પ્રજાના મનોરંજન માટે અને ચૂંટણી વાતાવરણને જાળવવા ફિલ્મીસ્ટાર અને ડાયરા કલાકારને બોલાવી ચૂંટણીની રંગત વધારતા હોય છે. જોકે, હવે ચૂંટણી સભામાં ડાન્સ કલાકારોને પણ બોલાવવાની નવી તરકીબ ઉમેરાઈ છે. બોરસદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારની ચૂંટણી સભામાં લેડી ડાન્સરને બોલાવી હતી. જેનો વીડિયો વાઇરલ થતાં પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.