વધુ એક દીકરી અંધશ્રદ્ધાની આગમાં ધકેલાઈ
દીકરીને બચાવવા ગયેલી માતા અને બહેનને અંધશ્રદ્ધામાં અંધ બનેલા પિતાએ માર માર્યો
- Advertisement -
પોલીસે સાત લોકો સામે ફરિયાદ નોંધાવી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના કેશોદથી અંધશ્રદ્ધાની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. વધુ એક દીકરીને અંધશ્રદ્ધાની આગમાં સગા બાપ દ્વારા ધકેલવામાં આવી છે. કેશોદમાં પોતાની જ 13 વર્ષની માસુમ દીકરીને સગી પિતાએ મેલી વિદ્યા હોવાનુ કહી યાતનાઓ આપી. 13 વર્ષની દીકરીને આગ પર ચાલવા મજબુર કરી.
તારામાં મેલી વિદ્યા છે એવું કહી દીકરીના હાથને આગમાં હોમ્યા હતા. સમગ્ર ઘટનામાં પિતા, ફઈ, કાકા સહિત અન્ય પરિવારજનોની મિલિભગત હોવાનુ સામે આવ્યુ છે. દીકરીને આગમાંથી બચાવવા જ્યારે માતા અને મોટી દીકરી વચ્ચે પડી તો અંધશ્રદ્ધામાં અંધ બનેલા તેના પિતાએ બંનેને ઢોર માર માર્યો. આગમાં ધકેલાયેલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલી કિશોરીને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
છેલ્લા બે દિવસથી દીકરીઓને રાત્રે ડાકલા વગાડી કલાકો સુધી ધુણાવતા હતા. જેમા એક દીકરી ન ધુણતા તેનામાં મેલીવિદ્યા છે. તારા સતના પારખા કરવા પડશે એવુ કહી સગા પિતાએ દીકરીને આગ પર ચલાવી હતી અને તેના હાથ પણ આગમાં હોમ્યા હતા. જેમા કિશોરીને હાથમાં અને પગમાં ગંભીર ઈજા પહોંચી છે. ભોગ બનનાર કિશોરીએ રડતા રડતા જણાવ્યુ કે તેના પિતા તેની સાથે આવુ કરશે તેની ક્યારેય કલ્પના પણ ન હતી. તેને છેલ્લા બે દિવસમાં અંધશ્રદ્ધામાં અંધ બનેલા પિતાએ માનસિક રીતે પણ ખૂબ ટોર્ચર કરી હોવાનુ જણાવે છે. વારંવાર તેને મેલીવિદ્યા છે તેવુ કહી ધુણાવવામાં આવતી હતી. આટલુ જ નહીં તેને આગમાં ચાલવા મજબુર કરી તો તેની માતા અને બહેન બચાવવા વચ્ચે પડ્યા તો માનવતા નેવે મુકી સગા બાપે એવુ પણ કહ્યુ કે તેની તો બલી જ ચડાવી દેવી છે.
આટલુ ઓછુ હોય તેમ તેના આ કુકર્મમાં સગી ફઈ, કાકા અને કુટુંબીજનો પણ સામેલ હતા. કોઈ તેને રોકવાવાળુ ન હતુ. આજે એક તરફ દીકરીઓ વિકાસની હરણફાળ ભરી રહી છે ત્યારે કેટલાક કુટુંબોમાં હજુ પણ દીકરીઓએ સત્તના પારખા આપવા પડે તે કેટલે અંશે યોગ્ય છે? અંધશ્રદ્ધાને કારણે ક્યાં સુધી દીકરીઓ આ રીતે બલી ચડતી રહેશે?
ઘરના જ સભ્યો દ્વારા આ પ્રકારે પીડા આપવામાં આવે ત્યારે કુમળા માનસ પર તેની કેટલી વિપરીત અસર પડે તેની કલ્પના પણ ન થઈ શકે. ભોગ બનનાર દીકરી માનસિક રીતે તદ્દન ભાંગી પડી છે. સમગ્ર ઘટના સામે આવતા પિતા, ફઈ અને અન્ય કુટુંબીજનો સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.