ખેલાડીઓને મતદાન જાગૃતિનું ટી-શર્ટ વિતરણ કરવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
- Advertisement -
જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જૂનાગઢ જિલ્લાના ચાંપરડા ગામ ખાતે મતદાન જાગૃતિ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાના ચાંપરડા ગામે આવેલ બ્રહ્માનંદ કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં અધિક કલેકટર એન.એફ. ચૌધરીના હસ્તે વિજેતા ટીમ અને રનર્સ ટીમને ટ્રોફી આપી મતદાન અંગે સમજૂતી આપી હતી.
તેમજ મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. નિવાસી અધિક કલેકટરે ક્રિકેટ ટુર્નામેન્ટ બાદ ખેલાડીઓને મતદાન જાગૃતિ માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આ વખતે લોકસભા સામાન્ય ચૂંટણીના મહાપર્વમાં પ્રથમ વખત વોટિંગ કરનાર યુવા મતદારો અચુક મતદાન કરે, તેમજ યુવાનો તેના માતા પિતા અને અન્ય પરિવારજનોને પણ મતદાનનું મહત્વ સમજાવી જાગૃત કરે એ જરૂરી છે. ચાંપરડા ખાતે યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાર કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીને મતદાન જાગૃતિનું ટીશર્ટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.