ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં નિકાસને વેગ આપવા માટે અગ્રણી ઉદ્યોગકારોનો એક પરિસંવાદ યોજાયો હતો. જેમાં ખાસ કરીને નવા ઉદ્યોગકારોને નિકાસ માટે પ્રોત્સાહનની સાથે એક દિશા મળી રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વન ડીસ્ટ્રીકટ વન પ્રોડકટ અંતર્ગત તેમજ નિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ઇન્ડિયન ટ્રેડ પોર્ટલમાં મળી રહેલી ઓનલાઇન સવલત અંગે આ સેમીનારમાં માહિતી આપવામાં આવી હતી. વિવિધ દેશો સાથે થયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને તેના ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી.
આ પરિસંવાદમાં ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જે.એમ. બિશ્નોય, ગુજરાત એફઆઈઈઓના પ્રમુખ ગોયલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર ડી.એમ. જોષી, આકાશ મુલચંદાની, બેન્ક ઓફ ઈન્ડિયાના એજીએમ સાકેત કુમાર સહાય, પંકજ અગ્રવાલ અને જયપ્રકાશ ગોયલે વિદેશ વ્યાપાર સંબંધિ જુદા-જુદા પાસા સંદર્ભે વિગતવાર જાણકારી આપી આવી હતી. ખાસ કરીને નવા ઉદ્યોગકારો નિકાસ માટે પ્રેરિત થાય તે માટે કેન્દ્ર સરકારની નિકાસ માટેની નીતિઓ-યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી.આ પરિસંવાદમાં વિદેશ વ્યાપારના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ, ગ્લોબલ સિનારિયો, ગુજરાતની ઉદ્યોગિક નીતિ, વિદેશી ચલણના ભાવ ઉતાર-ચઢાવનુ મેનેજનમેન્ટ વગેરે વિષય પર ઉડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી.આ સેમિનારમાં ફેડરેશન ઓફ સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી સંજયભાઈ પુરોહિત, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ અમૃતભાઈ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.