સરકારી ભાવસિંહજી હોસ્પિટલના સત્તાધીશો કેટલાક લોકોના જીવ સાથે કરશે ચેડાં..?
સરકારી હોસ્પિટલમાં અધિકારીઓની ધોર બેદરકારીના કારણે બોગસ ડેન્ટલ ટેક્નિશિયનને નોકરી મળી હતી
ભરતી પ્રક્રિયામાં લોલમલોલ…કેટલાક અધિકારીઓ એ પોતાના મળતીયાઓના સગા સંબંધીઓને લાગવગના જોરે અપાવી દીધું પોસ્ટીંગ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર સિવિલ હોસ્પિટલમાં બોગસ દસ્તાવેજો રજૂ કરીને ડેન્ટલ ટેકનિશ્યન તરીકે હંગામી નોકરી મેળવવાના મામલે 19 વર્ષના યુવક દેવ કંદર્પ વૈધ સામે છેતરપીંડીનો ગુન્હો નોંધાયો છે. કમલાબાગ પોલીસ મથકે આ ગુન્હાની નોંધ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
સરકારી ભાવસિંહજી હોસ્પિટલના “ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર”માં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારે ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ હતી. આ પ્રક્રિયા હેઠળ જુદા-જુદા પદો માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. ડેન્ટલ ટેકનિશ્યન પદ માટે પોરબંદરના ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા દેવ વૈધે પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. 13 માર્ચ 2024ના રોજ આ ભરતી પ્રક્રિયા હેઠળ ડેન્ટલ ટેકનિશ્યન પદ માટે લેવાયેલી તપાસમાં દેવ વૈધે રાજસ્થાનની ઉદયપુર સ્થિત દર્શન ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાંથી ડેન્ટલ ટેકનિશ્યન કોર્સ પૂર્ણ કર્યું હોવાનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જેનાં આધારે તેને બિનહરીફ ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ મામલે સ્થાનિક આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ રમેશભાઈ ઓડેદરાએ માહિતી મેળવતા જાણવા મળ્યું કે દર્શન ડેન્ટલ કોલેજમાં ડેન્ટલ ટેકનિશ્યનનો કોઈ કોર્સ જ ઉપલબ્ધ નથી. માત્ર બેચલર અને માસ્ટર ઓફ ડેન્ટલ સર્જનના કોર્સ જ છે.
આ પુરાવા સાથે ઓડેદરાએ સત્તાવાળાઓને સૂચન આપ્યું કે દેવ વૈધે ખોટા દસ્તાવેજો રજૂ કરીને છેતરપીંડી કરીને નોકરી મેળવી છે. આ મુદ્દે સત્તાવાળાઓએ તપાસ હાથ ધરી અને 18 જૂન 2024થી દેવ વૈધને 11 મહિના માટે માસિક રૂ. 20,000ના પગાર સાથે નોકરી અપાઈ હતી. આર.ટી.આઈ. એક્ટિવિસ્ટે પોરબંદરના સ્થાનિક સત્તાવાળાઓથી લઈને આરોગ્ય મંત્રાલય સુધી આ પ્રકરણમાં ન્યાયની માંગ કરી. ત્યારબાદ રાજકોટના આર.ડી.ડી. ડો. ચેતન મહેતાએ તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં દેવ વૈધના તમામ ડોક્યુમેન્ટ ખોટા હોવાનું બહાર આવ્યું. દેવ વૈધને 6 સપ્ટેમ્બર 2024ના રોજ સત્તાવાળાઓ દ્વારા નોકરીમાંથી નિલંબિત કરાયો હતો. તેની સેવાઓ બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. કમલાબાગ પોલીસે આરોપીની સામે છેતરપીંડી અને બનાવટી દસ્તાવેજો બનાવવા બદલ ગુન્હો નોંધ્યો છે. આ કેસ માત્ર એક વ્યક્તિની છેતરપીંડી સુધી સીમિત નથી રહ્યો. પ્રશાસનની ભૂમિકા પર પણ સવાલો ઊભા થયા છે. આ અંગે આરોગ્ય મંત્રાલય અને સ્થાનિક પ્રશાસન દોષિત વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવા તત્પર છે. દેવ વૈધ દ્વારા બોગસ દસ્તાવેજો ઉપયોગમાં લેવામાં આવતા પોરબંદર સિવિલ હોસ્પિટલના નિમણૂંક પ્રક્રિયા પર શંકાનો પાઠો ઊભો થયો છે. આ પ્રકરણનો ઉકેલ અને દોષિત સામેની કાર્યવાહીથી નોકરીની ન્યાયપ્રિયતા અને પ્રક્રિયાના પારદર્શકતાનું પુન:સ્થાપન થઈ શકશે, તેવી ન્યાયપ્રેમી લોકોની અપેક્ષા છે. કમલાબાગ પોલીસ આ કેસમાં તમામ દસ્તાવેજો અને વધુ વિગતો તપાસી રહી છે. વધુમાં જે સત્તાવાળાઓની ભુલ કે ષડયંત્રના કારણે આ પ્રકારની છેતરપીંડી બની, તેમના પર પણ કાર્યવાહી થવાની શક્યતા તેજ બની છે.