રોમિયોગીરી કરતાં આવરા તત્ત્વોની હવે ખેર નથી…
બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું આવકાર્ય પગલું
ખાસ-ખબર સંવાદદાતા
બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા સ્કુલ/કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને અસામાજીક તત્વો દ્વારા કોઇ હેરાનગતિ ના થાય તે માટે સ્કુલ/કોલેજમાં ફરિયાદ પેટી મુકવામાં આવી છે. વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ અથવા અત્યાચારની ઘટનાઓ અટકાવવા માટે બી ડીવીઝન દ્રારા આવકાર્ય પગલું હાથ ધરવામાં આવ્યું છે. ભુતકાળમાં દિલ્હીમાં બનેલ ગેંગરેપની નિર્ભયાકાંડ જેવી ઘટનાઓ ન બને તેમજ નાની ઉંમરમાં છોકરીઓ ભાગી જવાના બનાવો બનતા હોય છે જે બાબતે તેઓને મહિલાને લગતા કાયદાઓની સમજ આપી તેવા ઉદ્દેશ્યથી અને આવી ઘટનાઓ બાબતે વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ આવા અસામાજીક તત્વોના ડરના લીધે પોલીસ ફરિયાદ કરવાનુ ટાળતા હોય છે ત્યારે બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કુલ-40 સ્કુલ/કોલેજોના પ્રિન્સીપાલ, શિક્ષકો તેમજ શાળાના સંચાલકો સાથે મિટિંગ કરી કુલ-40 સ્કુલ/કોલેજોમાં ફરિયાદ પેટી મુકવામાં આવી છે. જેનું દર શનિવારે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તેમજ શાળાના સંચાલક દ્વારા ફરિયાદ પેટી ખોલી આવેલી ફરિયાદોનું સત્વરે નિકાલ કરવામાં આવશે. આમ હવે કોઇપણ વિદ્યાર્થીનીઓને કોઇપણ આવારા તત્વો હેરાન કરશે તો તે અંગેની સંપૂર્ણ વિગત આ ફરિયાદ પેટીમાં મુકી શકશે.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સુચનાથી તથા અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન- 1 સજનસિંહ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશ્નર આર.એસ.બારીઆ ઉત્તર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીથી સ્કુલ/ કોલેજની વિદ્યાર્થીનીઓને આવારા તત્ત્વો સામે રક્ષણ મળશે. જો કોઇ ફરિયાદ આવરા તત્ત્વો વિરુદ્ધ મળી તો બી ડીવીઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.