બૉમ્બે હાઇકોર્ટે કોલાપુરને બેન્ચ આપતા રાજકોટ બારના સભ્યો પણ મેદાને આવ્યા
અગાઉ હાઇકોર્ટની બેન્ચ માટે છ મહિના સુધી આંદોલન ચાલ્યુ હતુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને હાઇકોર્ટ બેન્ચ મળે તે માટે છેલ્લા 43 વર્ષથી વકીલો ઉચ્ચ સ્તરે રજૂઆત કરી લડત ચલાવી રહ્યા છે ત્યારે હવે મહારાષ્ટ્રના કોલ્હાપુરને હાઇકોર્ટની સર્કિટ બેન્ચ મળતાં રાજકોટને પણ હાઇકોર્ટની સર્કિટ બેન્ચ અપાવવા ફરી સળવળાટ શરૂ થયો છે અને રાજકોટને વહેલામાં વહેલી તકે હાઇકોર્ટ બેન્ચ મળે તે માટે 27 વકીલની ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં માત્ર તજજ્ઞોને સ્થાન અપાતા યુવા વકીલોમાં ભારે નારાજગી પ્રસરી ગઈ છે અને અંદાજે 40 જેટલા વકીલ એકઠા થઇ આ મુદ્દે બાર એસોસિએશનના પ્રમુખ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં સૌરાષ્ટ્ર જ્યારે રાજ્યનો દરજ્જો ધરાવતું હતું ત્યારે સૌરાષ્ટ્ર હાઇકોર્ટ બેન્ચ ધરાવતું હતું અને આ બેન્ચ રાજકોટમાં બેસતી હતી. ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ સૌરાષ્ટ્ર હાઇકોર્ટની બેન્ચ બંધ થઇ હતી. હાલ ગુજરાત રાજ્યમાં માત્ર એક જ હાઇકોર્ટ છે અને તે અમદાવાદમાં બેસે છે. જ્યારે તાજેતરમાં બોમ્બે હાઇકોર્ટ દ્વારા કોલ્હાપુરને સર્કિટ બેન્ચ મળે તે અંગે ચીફ જસ્ટિસ દ્વારા ગર્વનરની મંજૂરી લઇને નવી સર્કિટ બેન્ચની રચના કરવામાં આવી છે ત્યારે રાજકોટ બાર એસોસિએશનના સભ્યો દ્વારા સૌરાષ્ટ્રને હાઇકોર્ટ બેન્ચ મળે તે અંગેની વર્ષોથી પડતર માંગ અંગેની ચળવળ ફરી શરૂ કરવામાં આવી છે.
આ 27 વકીલની ખાસ કમિટીની રચના કરાઇ
જી.કે.ભટ્ટ, હેમેનભાઇ ઉદાણી, મહર્ષિભાઈ પંડ્યા, આર.એમ. વારોતરિયા, એલ.જે.શાહી, ટી.બી. ગોંડલિયા, જયેશભાઈ દોશી, જી.આર.ઠાકર, બિપીનભાઈ મહેતા, જયદેવભાઈ શુક્લ. દિલીપભાઇ પટેલ, પીયૂષભાઈ શાહ, આર.બી. ગોગિયા, જી.એલ.રામાણી, સંજયભાઈ વ્યાસ, રમેશભાઇ કથીરિયા, સ્મિતાબેન અત્રી, મહેશ્વરીબેન ચૌહાણ, અશોકસિંહ વાઘેલા, તુષારભાઇ ગોકાણી, રાજેશભાઈ મહેતા, કે.ડી.શાહ, સુરેશભાઈ સાવલિયા, બિમલભાઇ જાની, હિતેષભાઇ દવે, બિપીનભાઇ કોટેચા અને વિજય તોગડિયા આ 27 વકીલની ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.
- Advertisement -
હાઇકોર્ટ માટે હાકલ કરનાર અર્જુન પટેલને જ બાકાત રખાયા
સૌરાષ્ટ્રને હાઇકોર્ટ બેન્ચ મળે તે માટે વર્ષોથી પડતર પ્રશ્ર્ન અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી બાર એસોસિએશનને જાગૃત કરનાર અને લડત ચલાવવા હાકલ કરનાર એડવોકેટ અર્જુન પટેલનો જ કમિટીમાં સમાવેશ ન કરાતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. વકીલો વચ્ચે ચાલતા મતભેદોને કારણે તેઓનો સમાવેશ ન કરાયાની ચર્ચા થઇ રહી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બેન્ચની માગણી કરી રહ્યા છે.
રાજકોટમાં વર્ષ 1960 સુધી હાઈકોર્ટ ચાલતી હતી
જિલ્લા ન્યાયાલયની નોંધ મૂજબ આઝાદી પહેલા આજે રાજકોટમાં કોઠી કમ્પાઉન્ડ તરીકે ઓળખાતા સ્થળે ‘રાજસ્થાનિક કોર્ટ ’ચાલતી હતી જેમાં બે બ્રીટીશ અને એક ભારતીય જ બેસતા હતા. બ્રિટીશ યુગમાં પણ રાજકોટને આજની હાઈકોર્ટ જેવું જ જ્યુરિડિક્શન ધરાવતા જ્યુડિશિયલ કમિશનરની કોર્ટ હતી. આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું ત્યારે રાજધાની રાજકોટમાં જુના કોર્ટ બિલ્ડીંગ (હોસ્પિટલ ચોક)માં સૌરાષ્ટ્ર હાઈકોર્ટ અસ્તિત્વમાં આવી જેના પ્રથમ ચીફ જસ્ટીસ એમ.સી.શાહ હતા. ઈ.સ. 1956માં સૌરાષ્ટ્ર મુંબઈ રાજ્યમા ભળ્યું ત્યારે પણ બોમ્બે હાઈકોર્ટની બેન્ચ મહિનાના 15 દિવસ રાજકોટમાં ચાલતી હતી. આ સુવિધા ગુજરાત રાજ્યની સ્થાપના સાથે મળતી બંધ થઈ છે.