કુલ 31 સ્પર્ધાઓમાં 38 કોલેજોના 750 વિધાર્થીઓ કૌવત ઝળકાવશે
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ, ચાંપરડાના સંયુક્ત ઉપક્રમે “વસુધૈવ કુટુંમ્બક્મ” ની થીમ સાથે યુનિવર્સિટીના પાંચમાં યુવક મહોત્સવ અવસર-પંચમ નોચાંપરડા ખાતે રંગારંગ પ્રારંભ થયો હતો. બે દિવસ ચાલનારા યુવક મહોત્સવમાં વિવિધ 38 કોલેજોના 750 જેટલા વિધાર્થીઓ અલગ અલગ 31 સ્પર્ધાઓમાં ભાગ લેશે.
યુવક મહોત્સવના ઉદઘાટન પ્રસંગે આશીર્વચન આપતા બ્રહ્માનંદ વિદ્યાધામ, ચાંપરડાના મહંત મુક્તાનંદજી બાપુએ જણાવ્યું કે, સર્જનાત્મકતા, વ્યવહારિકતા, પ્રબળ પુરુષાર્થ તથા સંઘર્ષ કરવાની શક્તિ જ આજના યુવાનોનું સાચું ઘરેણું છે. જીંદગીમાં કદી નિરાશ ન થવું અને સંઘર્ષમય સ્થિતિમાં પણ અડગ રહીને કર્મ કરતા રહેવાથી ચોક્કસપણે સફળતા પ્રાપ્ત થાય છે. તેમ જણાવતા તેમણે કહ્યું કે, શિસ્ત, સેવા, સંસ્કાર, સમાજોપયોગી શિક્ષણ તથા માનવસેવા થકી જીવનમાં સતત હકારાત્મકતા અને આનંદ છવાયેલા રહે છે.