લોકવાદ્ય અને ગામઠી કલાઓને જીવંત રાખવા 31 સ્પર્ધાઓનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ગામે યોજાનાર લોકમેળો આ વખતે વધુ ભવ્યતા સાથે સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવશે. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા યુવા વિકાસ કચેરીના સંયુક્ત ઉપક્રમે આ મેળામાં લોકકલાઓને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન કરાયું છે.
- Advertisement -
જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, ગયા વર્ષે 26 સ્પર્ધાઓ યોજાઈ હતી, જ્યારે આ વર્ષે ઝાંઝ, મંજીરા, કરતાલ, શંખ, ભૂંગળ અને ઝાલર જેવી ઘન વાદ્યની પાંચ નવી સ્પર્ધાઓ ઉમેરવામાં આવી છે. આ રીતે કુલ 31 સ્પર્ધાઓ યોજાશે. દરેક સ્પર્ધાના વિજેતાઓને ક્રમે રૂ.1000, રૂ.750 અને રૂ.500 ના ઇનામ અપાશે.
26થી 28 ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસ લોકડાયરા અને રાસગરબા જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. ખાસ કરીને રાવણહથ્થો અને મોરલી જેવા જૂના લોકવાદ્યોના કલાકારોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમો યોજાશે જેથી યુવા પેઢી આ લોકવાદ્યોને નજીકથી ઓળખી શકે.
તરણેતર મેળામાં પરંપરાગત વેશભૂષા, છત્રી સજાવટ, ભરતકામ, લોકગીત, ભજન, દુહા-છંદ, લોકવાર્તા, વાંસળી, પાવા, એકપાત્રીય અભિનય, રાસ, ભવાઈ, બહુરૂપી, હુડો રાસ, લોકનૃત્ય, એકલ નૃત્ય, ઢોલ, મોરલી, શરણાઈ સહિતની અનેક સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓ યુવાનોને પોતાની કલા-પ્રતિભા પ્રદર્શિત કરવાની અનોખી તક આપશે અને સાથે સાથે લોકપરંપરાને જીવંત રાખશે.



