ચાર વર્ષથી કરાર આધારીત નોકરી કરતા ડૉ.સાહિલ ખોખરના કબાટમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સિવિલ હોસ્પિટલની ફરી એક વખત બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ ઢીંચતો હતો અને નશાખોર હાલતમાં દર્દીઓની સારવાર કરતો હતો. જેની જાણ થતા પોલીસે ડો.ખોખરને તેની ડ્યૂટી દરમિયાન ઝડપી લીધો હતો, ડોક્ટર રૂમમાં કબાટના ખાનામાંથી દારૂનો જથ્થો પણ મળી આવતા તબીબનો ભાંડો ફૂટી ગયો હતો.
સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર પોતાની ડ્યૂટી દરમિયાન હોસ્પિટલમાં જ દારૂ ઢીંચે છે અને ડોક્ટર રૂમમાં કબાટના તેના ખાનામાં દારૂ પણ પડ્યો હોવાની સામે આવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમ પહોંચી ત્યારે ડો.સાહિલ ખોખર ઇમર્જન્સી રૂમની બહાર કાચની કેબિનમાં એક નર્સ સાથે બેઠો હતો, ડો.ખોખરને ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાની ઓળખ આપી તેનું માસ્ક હટાવતાં જ ડોક્ટર ખોખર નશાખોર હાલતમાં હોવાની શંકા દ્રઢ બની હતી, અને ડો.સાહિલ ખોખરને કેસબારીની સામે આવેલા ડોક્ટર રૂમમાં લઇ જવાયો હતો, જ્યાં લાકડાંના કબાટમાં તેનું ખાનું ખોલાવતાં જ પાણીની બોટલમાં દારૂ ભરેલો મળ્યો હતો. ડો.ખોખર ચારેક વર્ષથી કરારી ડોક્ટર તરીકે ફરજ બજાવે છે.
ડો.ખોખર જ્યારે પણ ફરજ પર હોય ત્યારે ડોક્ટર રૂમમાં જઇને દારૂના ઘૂંટડા મારી ફરી ઇમર્જન્સી રૂમમાં આવી જતો હતો અને નશો કરેલો હોય ત્યારે પણ મહિલા દર્દી આવે તો તેને તપાસતો હતો.