ચોટીલા પ્રાંત અધિકારી પોતે હાજરી આપી ખનિજ ચોરી અટકાવવા પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ખનિજ ચોરી પર ભારે પડતા ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા હવે કોલસાની ખનિજ સદંતર બંધ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં દશેક દિવસ પૂર્વે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનગઢ પંથકના ભડુલા અને જામવાડી વિસ્તારમાં છતી કોલસાની ગેરકાયદેસર ખાણો પર દરોડા કરી આશરે 247 જેટલી ગેરકાયદેસર ખાણો ઝડપી લઇ કરોડો રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો આ વિસ્તારમાં ફરીથી કોલસાનું ખનન શરૂ ન થાય તેવા હેતુથી પ્રાંત અધિકારી દ્વારા પોતાની ટીમના કર્મચારીઓની પેટ્રોલિંગ માટે ફરજ પણ લગાવી છે. આ સાથે ભડુલા અને જામવાડી વિસ્તારમાં ખનિજ ચોરી અટકાવવા ચોકી પણ ઊભી કરાઈ હતી જેમાં અહીં સતત દેખરેખ માટે કર્મચારીઓ પણ નિમણૂક કરશે અને પ્રાંત અધિકારી પોતે પણ સમયાંતરે અહીં દેખરેખ રાખી કોલસાની ખાણો ફરીથી શરૂ ન થાય તે અંગેના પ્રયાસો હાથ ધર્યા છે.