ખાસ-ખબર સંવાદદાતા
દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી ડો. રાધાકૃષ્ણનના જન્મદિવસને તેમની સ્મૃતિમાં શિક્ષકદિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી જીલ્લામાં વિવિધ શાળા કોલેજમાં શિક્ષક દિવસ ઉજવાયો હતો જે અન્વયે મોરબીની વી. સી. હાઈસ્કૂલ ખાતે શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરાયું હતું અને સમારોહમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં મહાનુભાવોના હસ્તે જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. ઉપરાંત છ શિક્ષકોને ફૂલ પગારના ઓર્ડર આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, આપણી પરંપરાગત સંસ્કૃતિથી શિક્ષકોનું આગવું મહત્વ રહ્યું છે. બાળકોમાં જ્ઞાનનું સિંચન કરતા શિક્ષકો બાળકોને શિસ્ત, સંસ્કાર તથા શિક્ષણનું ભાથું આપે છે. ભાવિ ભારતનું ઘડતર કરતાં આ શિક્ષકો કોઈ સન્માનના મોહતાજ નહીં પણ જ્ઞાનના સરતાજ છે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત માર્ગ સલામતી વિષય હેઠળ બાળકોને પાયાથી જ અકસ્માત નિવારણ અંગે જ્ઞાન આપવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપાએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમની આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વિડજાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન માધાપર પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું. આ તકે મંત્રી અને સર્વે મહાનુભાવોના હસ્તે મોરબીના જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.