એક્ટિવાને ઉલાળી ગ્રે કલરની કારનો ચાલક નાસી ગયો
PI ગોહિલે પોતાની જીપમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદમાં તથ્ય પટેલે પોતાની કાર બેફામ સ્પીડે ચલાવી બે પોલીસમેન સહિત 9 લોકોની જિંદગીનો અંત આણી દીધાની ઘટના તાજી જ છે ત્યાં બુધવારે સવારે પોલીસ હેડ ક્વાર્ટરમાંથી પૂરપાટ ઝડપે નીકળેલી કારે એક્ટિવાને ઉલાળ્યું હતું. એક્ટિવાચાલક યુવક, તેની પત્ની અને પુત્રને ઇજા થતાં ત્રણેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
હસનવાડી મેઇન રોડ પર રહેતા ઇમરાનભાઇ ઇકબાલભાઇ પઠાણ (ઉ.વ.40), તેના પત્ની આશિયાબેન (ઉ.વ.32), પુત્ર અરહાન (ઉ.વ.7) એક્ટિવા પર રેસકોર્સ રિંગ રોડથી રૂડા તરફ જઇ રહ્યા હતા અને પોલીસ હેડ ક્વાર્ટરના ગેટ પાસે પહોંચ્યા હતા ત્યારે હેડ ક્વાર્ટરના ગેટમાંથી ગ્રે કલરની સ્વિફટ કાર બેફામ સ્પીડમાં ધસી આવી હતી અને કારે એક્ટિવાને ઉલાળ્યું હતું. કારની ઠોકરથી પઠાણ પરિવારના ત્રણેય સભ્યો રસ્તા પર ફંગોળાયા હતા.
અકસ્માત સર્જનાર ચાલક કાર લઇને નાસી ગયો હતો. વડાપ્રધાન મોદીની ગુરુવારે રેસકોર્સ મેદાનમાં જ જાહેરસભા હોય અકસ્માત સ્થળ નજીક પોલીસની ટીમ બંદોબસ્તમાં હતી છતાં આરોપી કારચાલક નાસી ગયો હતો. એક્ટિવાચાલક ઇમરાનભાઇને કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. એ સમયે ત્યાંથી પસાર થયેલા ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી.ગોહિલે પળનો પણ વિલંબ કર્યા વગર ઇજાગ્રસ્ત ત્રણેયને પોતાની સરકારી જીપમાં હોસ્પિટલે ખસેડ્યા હતા.
- Advertisement -
પોલીસે વધુ સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે ઝુંબેશ શરૂ કરી છે ત્યારે પોલીસ હેડ ક્વાર્ટરમાંથી જ પૂરઝડપે કાર હંકારનાર નાસી જતાં ચર્ચાઓ શરૂ થઈ છે.