પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમ્યાન એક ગંભીર ઘટનાને અંજામ આપનારા ત્રણ આરોપીઓને દબોચી લીધા
ખાસ-ખબર ન્યૂઝ બાબરા
અમરેલીના બાબરાના ધરાઇના કૃષ્ણનગર વિસ્તારમાં રાત્રિના બાબરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એક શંકાસ્પદ કારમાં 3 શખ્સો બેઠા હતા. અને નજીકમાં કઈક સળગતું હોવાનું જણાતા પોલીસ તપાસ કરી તો કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ સળગાવવામાં આવ્યો હોવાનું જણાતા પોલીસે તાત્કાલિક મૃતદેહને ઠારવામાં આવ્યો હતો. જે બાદ અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઇ પણ ધટના સ્થળે પહોંચી હત્યાની ધટનાનુ નિરીક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ પોલીસે શંકાસ્પદ ત્રણેય શખ્સોની પૂછપરછ કરતાં એક હત્યાની ઘટનાને છુપાવવાના કૃત્યનો પર્દાફાશ થયો હતો.
- Advertisement -
જેમાં ભાવનગરના તળાજા ખાતે હીરાના દલાલ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડને ગળે ટુંપો આપીને હત્યા કરી હતી. અને હીરાના દલાલની લાશના નિકાલ માટે હત્યારા ફોરવ્હીલ કાર લઇને બાબરાના ધરાઈ ગામે પહોચ્યા હતા. અને મૃતક વ્યક્તિની લાશને ડીઝલ નાખીને સળગાવવા જતા બાબરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. અને હત્યારા ત્રણ આરોપીઓને રંગેહાથ બાબરા પોલીસે ગણતરીની જ મિનિટોમાં ઝડપી પાડયા હતા. જેમાં કિશન ઉર્ફે કાનો ઘનશ્યામ ચુડાસમા, મનહર કિશોર ખસીયા અને રાહુલ રમેશ પરમાર ઝડપાયા હતા. આ ત્રણેય હત્યારા ભાવનગરના સ્થાનિકો હોવાનું જાણવા મળી રહ્યું છે. અને ત્રણેયે હીરા વેચવા તળાજા જવાનું કહી હીરા દલાલની હત્યા કરીને 5 લાખના હીરા અને 70 હજારની રોકડ લઇ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે હત્યારા ત્રણેય આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.