યુપીમાં ગેરકાયદે બાંધકામો સામે સતત કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં બુલડોઝરનો ઉપયોગ કરીને વિવિધ સ્થળોએ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે. મંગળવારે સંભલમાં પણ ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના સંભલમાં સરકારી જમીનોને ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવવા માટે તંત્ર દ્વારા બુલડોઝરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એચૌડા કંબોહ વિસ્તારમાં વિશાળ કલ્કિ ધામની બાજુમાં આવેલી જાહેર પાર્કની 265 વર્ગ મીટર જમીન પર ગેરકાયદે બાંધવામાં આવેલી એક મસ્જિદને બુધવારે (15 ઓક્ટોબર) ધ્વસ્ત કરી દેવામાં આવી હતી.
- Advertisement -
કોર્ટના આદેશ બાદ કરાઈ કાર્યવાહી
નાયબ મામલતદાર દીપક ઝુરૈલ અને સીઓ કુલદીપ સિંહના નેતૃત્વમાં આ બુલડોઝર એક્શન લેવામાં આવ્યું હતું. આ મસ્જિદ સરકારી પાર્કની જમીન પર બનેલી હોવાથી, કોર્ટના આદેશ અને બેદખલી (Eviction)ના આદેશનું પાલન કરીને આ માળખું તોડી પાડવામાં આવ્યું હતું.
નોટિસ બાદ પણ બાંધકામ ન હટાવ્યું
- Advertisement -
સંભલમાં બની રહેલા વિશાળ કલ્કિ ધામની પાસે આવેલી જાહેર પાર્કની સરકારી જમીન પર આ નાની મસ્જિદ ગેરકાયદે ઊભી કરવામાં આવી હતી. હલ્કા લેખપાલના રિપોર્ટના આધારે, વહીવટી તંત્રએ 11 જૂને મસ્જિદ કમિટીને જમીન ખાલી કરવા નોટિસ આપી હતી, જેને 16 જૂને બજાવવામાં આવી હતી. કમિટીએ શરૂઆતમાં થોડો ભાગ હટાવવાનું શરૂ કર્યું, પરંતુ ત્યારે આખું બાંધકામ દૂર કરાયું નહતું. ત્યાર બાદ 24 સપ્ટેમ્બરે મામલતદાર દ્વારા મસ્જિદ વિરુદ્ધ બેદખલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો અને 10 ઓક્ટોબરે તેને હટાવવા માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી.
કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તૈનાત
બુધવારે (15 ઓક્ટોબર) નાયબ મામલતદાર દીપક ઝુરૈલ અને સીઓ કુલદીપ સિંહ ભારે પોલીસ બળ અને મહેસૂલ ટીમ સાથે બુલડોઝર લઈને સ્થળ પર પહોંચ્યા હતા. સીઓ કુલદીપ સિંહે સ્પષ્ટતા કરી કે, આ કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ કરવામાં આવી છે. અગાઉ પણ ગેરકાયદે માળખું હટાવવાની કાર્યવાહી ચાલી રહી હતી અને હવે બાકીના ભાગને ધ્વસ્ત કરવામાં આવ્યો છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થળ પર ત્રણ પોલીસ સ્ટેશનોનો પોલીસ ફોર્સ અને પીએસી (PAC) તૈનાત કરવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાય અને શાંતિ જળવાઈ રહે. ધ્વસ્ત થયા બાદ મસ્જિદનો કાટમાળ પણ સ્થળ પરથી તાત્કાલિક હટાવી દેવામાં આવ્યો હતો.