20ને બચાવાયાં, 10 હજુ લાપતા
બધાં બાળકો સ્કૂલે જતાં હતાં: નીતીશ કુમાર મુઝફ્ફરપુર પહોંચે એ પહેલાં મોટી ઘટના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુરુવારે મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં એક મોટો અકસ્માત થયો હતો. સ્કૂલનાં બાળકોથી ભરેલી બોટ નદીમાં ડૂબી ગઈ હતી. આ અકસ્માત ગાયઘાટ બેનિયાબાદ ઓપીમાં થયો હતો. બોટમાં 30થી વધુ બાળકો સવાર હતાં. અત્યાર સુધીમાં 20 બાળકોને બહાર કાઢવામાં આવ્યાં છે. 10 બાળકો હજુ પણ ગુમ છે. એસડીઆરએફની ટીમ ગાયઘાટ અને બેનિયાબાદ પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બાગમતીમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સ્થળ પર હાજર ગ્રામજનોએ જણાવ્યું કે, સ્કૂલ નદીને પેલે પાર આવેલી છે. દરરોજની જેમ ગુરુવારે પણ બાળકો બોટમાં બેસી સ્કૂલે જઈ રહ્યા હતા.
બોટમાં 30થી વધુ બાળકો સવાર હતાં. જોરદાર પ્રવાહના કારણે બોટનું સંતુલન ગુમાવી દેતાં નદીમાં પલટી ગઈ હતી. બોટમાં સવાર બાળકોની ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. બીજી તરફ, મુખ્યમંત્રી નીતિશ કુમાર નવનિર્મિત પીકુ વોર્ડનું ઉદ્ઘાટન કરવા મુઝફ્ફરપુર પહોંચવાના છે. સીએમના આગમન પહેલાં જ આ મોટી દુર્ઘટના સર્જાતાં વહીવટી વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.
2 લોકોને બચાવ્યા બાદ પોતે ડૂબી ગયો
ગામના જ એક નજરેજોનારે જણાવ્યું કે એક છોકરાએ બે લોકોને બચાવ્યા હતા. તે વધુ બીજા લોકોને બચાવવા માટે ફરીથી નદીમાં ગયો, પરંતુ પાણીના ભારે વહેણના કારણે તે પોતે ડૂબી ગયો. બોટમાં 9મા અને 10મા ધોરણના બાળકો હતા જેઓ સ્કૂલે જઈ રહ્યા હતા. ગામના બીજા કેટલાક લોકો પણ બાળકો સાથે બોટમાં સવાર હતા. જેમાં કેટલાક લોકો કામ પર જઈ રહ્યા હતા.
- Advertisement -
ઘણા વર્ષોથી પુલ બનાવવાની માંગ કરાઈ રહી છે
જણાવવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ આ દુર્ઘટના થઈ છે ત્યાંના લોકો ઘણા વર્ષોથી પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. લોકો શોર્ટકટ માટે બોટનો ઉપયોગ કરે છે. શોર્ટકટના ચક્કરમાં બાળકો પણ બોટ દ્વારા સ્કૂલે અવર-જવર કરે છે.