ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેમને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. એવામાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની બુલેટ ટ્રેનની સ્પીડે જાહેરાત કરવામાં આવી છે. ભાજપે 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે અને કોંગ્રેસે પણ મોડી રાત્રે વધુ 46 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ લગભગ મોટાભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધાં છે. ભારતીય જનતા પાર્ટીએ હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
- Advertisement -
હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશ કરવા હાઈકોર્ટે આપી મંજૂરી
ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટમાંથી ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને રાહત મળી છે. તેમને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે.
ભાજપે હાર્દિક પર મૂક્યો વિશ્વાસ
આપને જણાવી દઈએ કે, આ વખતે ભાજપે વિરમગામ બેઠક પર ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના સિપાઈ’ હાર્દિક પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિરમગામ બેઠક પર ભાજપ 15 વર્ષથી જીતી શક્યું નથી. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભીખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને 76 હજાર 178 મતો મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવારને 69 હજાર 630 મતો મળ્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે પટેલ પ્રાગજીભાઈ નારણભાઈ પર વિશ્વાસ મૂક્યો હતો. તેમને ચૂંટણીમાં 67 હજાર 947 મતો મળ્યા હતા. પરંતુ કોંગ્રેસની ટિકિટ પરથી મેદાનમાં ઉતરેલા પટેલ તેજશ્રીબેન દિલીપકુમારે 84 હજાર 930 મતો મેળવીને બેઠક જીતી હતી.
જુઓ હાર્દિક પટેલની કેવી રહી છે રાજકીય સફર?
- Advertisement -
- હાર્દિક પટેલ ગુજરાતના યુવા પાટીદાર નેતા છે
– હાર્દિક પટેલ PAASના સ્થાપક અને સંયોજક છે
– હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા
– વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી હાર્દિક પટેલ લોકપ્રિય થયા
– હાર્દિક પટેલે 25 ઓગસ્ટે 2015ના અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે જાહેર રેલી યોજી હતી
– અમદાવાદના GMDC ગ્રાઉન્ડની રેલી બાદ હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થયું હતું
– GMDCની રેલી બાદ રાજ્યભરમાં મોટાપાયે તોફાનો થયા હતા
– આ તોફાનોમાં 14 પાટીદાર યુવાનોના મૃત્યુ થયા હતા
– હાર્દિક પટેલ સામે રાજ્યભરમાં 56 FIR નોંધાઇ હતી
– હાર્દિક પટેલ તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા
– હાર્દિક પટેલ નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા
– હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા
– આનંદીબહેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો
– 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગરમાં એક રેલી દરમિયાન હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા
– કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા
– બાદમાં છેલ્લાં કેટલાંય સમયથી નારાજ ચાલી રહેલા હાર્દિકે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
– 02 જૂન 2022ના રોજ કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.