સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં ઠંડીનો વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આવતીકાલથી એટલે કે 26મી જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થશે.
રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્ય જામ્યું છે. ઠંડીના કહેરથી શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારે વોકિંગ કરવા કે રનિંગ માટે નીકળતા સ્વાસ્થ્યપ્રેમીઓની સંખ્યા ઘટી છે. અંગોને કંપાવતી ઠંડીનો આ રાઉન્ડ લાંબો ચાલતાં લોકો મનોમન અકળાયા છે. હવે ક્યારે આ રાઉન્ડ પૂરો થશે એવી ચર્ચાઓ પણ લોકો આપસમાં કરી રહ્યા છે.
- Advertisement -
લોકોને તોબા પોકારાવી રહી છે ઠંડી
એક તરફ ઠંડી અમદાવાદ સહિત રાજ્યભરના લોકોને તોબા પોકારાવી રહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ઠંડી અસહ્ય બનતા સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે. આવા વિષમ સંજોગોમાં હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 10 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
કોલ્ડવેવની આગાહી
સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં ઠંડીનો વધારો થયો છે. રાજ્યમાં ઠંડા પવનથી લોકો ઠૂંઠવાયા છે. આજે પણ 10 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટી 10એ પહોંચ્યું છે. જોકે, આવતીકાલથી એટલે કે 26મી જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થશે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
26 જાન્યુઆરીથી ઠંડીમાં થશે ઘટાડો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં ઠંડી વધી છે. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી આજે ઠંડીનું જોર રહેશે. જ્યારે આવતીકાલથી ઠંડીમાં ઘટાડો થશે.
- Advertisement -
નોંધનીય છે કે, હાલ લગ્નની સિઝન પુરબહારમાં ખીલી ઊઠી હોઈ લોકો માંગલિક પ્રસંગને વધાવવા માટે દોડાદોડ કરી રહ્યા છે, જોકે, સવારના મુહૂર્તના ટાણે વેવાઈ પક્ષની હાલત કફોડી બને છે. મોડી સાંજ પછી પણ સૂસવાટા મારતા પવનના કારણે લગ્ન પ્રસંગમાં મહાલતી વખતે મહિલાઓને સ્વેટર-સ્કાફ પહેરીને ઠંડી સામે રક્ષણ મેળવવું પડે છે. જેના કારણે શોખીન મહિલાઓ વસ્ત્ર અલંકારનું પ્રદર્શન કરી શકતી નથી તેમ છતાં ઠંડી વચ્ચે પણ લગ્ન વગેરે જેવા પ્રસંગોનો આનંદ જળવાઈ રહ્યો છે.
15-20 દિવસ ઠંડીની તીવ્રતામાં ચઢ-ઉતર જોવા મળશે
સામાન્ય રીતે દેવાધિદેવ મહાદેવના પવિત્ર મહાશિવરાત્રીના તહેવાર પછી ઠંડી શિવ શિવ કરતી વિદાય લેતી હોય છે. આ વખતે 18મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનું પાવન પર્વ આવી રહ્યું છે એટલે હજુ 15-20 દિવસ ઠંડીની તીવ્રતામાં ચઢ-ઊતર જોવા મળશે.
કયા શહેરમાં કેટલું તાપમાન?
– નલિયામાં 6.2 ડિગ્રી તાપમાન નોંધાયું
– અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું
– વડોદરામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું
– સુરતમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું
– રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું
– 26 જાન્યુઆરીથી ઠંડીમાં થશે ઘટાડો