ચાહીતા-માનીતા લોકોને હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ બનાવવા તમામ નિયમો નેવે મૂકાયા
વાઈસ ચાન્સેલરનાં બે માનીતા ચંગુ-મંગુએ આખો ખેલ પાડ્યો?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી અને બીઓએમ ઉપરાંત મહેકમ વિભાગના રંજન ખૂંટ દ્વારા ‘હેડશિપ બાય રોટેશન’ની નીતિના અમલમાં નિયમોનો ઉલાળીયો કરી મનોવિજ્ઞાન ભવનમાં ડો. તરલીકા ઝાલાવાડીયાને અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. એમબીએ ભવનમાં ડો. હિતેશ શુક્લા, હોમસાયન્સ ભવનમાં ડો. હસમુખ જોશી, હિન્દી ભવનમાં ડો. શૈલેષ મહેતા અને કમ્પ્યુટર સાયન્સ ભવનમાં ડો. અતુલ ગોસાઈની નવા અઘ્યક્ષ તરીકે નિમણૂંક પણ શંકાસ્પદ છે. મોસ્ટ સિનિયર પ્રોફેસરની અવગણના કરી જૂનિયર પ્રોફેસરને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બનાવી દેવામાં આવતા અન્યાયનો ભોગ બનેલા કેટલાક પ્રોફેસર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિરુદ્ધ કાયદાકીય લડત શરૂ થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સૌપ્રથમ તો માત્ર પાંચ જ ભવનમાં હેડશિપ બાય રોટેશન નીતિનો અમલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ હેડશિપ બાય રોટેશન નીતિના અમલમાં સિનિયર પ્રોફેસરની જગ્યાએ લાગતાવળગતા જૂનિયર પ્રોફેસરને ગોઠવવા સ્ટેચ્યૂટના નિયમોનો પણ નજરઅંદાજ કરવામાં આવ્યા છે. આ સિવાય હેડશિપ બાય રોટેશન નીતિના અમલ માટે જે કમિટી બનાવવામાં આવી હતી તે કમિટીના કેટલાક જૂનિયર પ્રોફેસર ખુદને સિનિયર પ્રોફેસર ગણાવી ડિપાર્ટમેન્ટ હેડ બની ગયા છે. રાજ્યની અન્ય યુનિવર્સિટીની સરખામણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હેડશિપ બાય રોટેશનના અમલમાં નિયમનું ખોટું અર્થઘટન કરાયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. એટલું જ નહીં, ડો. તરલીકા ઝાલાવાડીયાને અધ્યક્ષ બનાવવા પાછળ તો ખુદ કુલપતિ ઉત્પલ જોશી અને મહેકમના રંજન ખૂંટે રસ દાખવ્યો છે.
- Advertisement -
મનોવિજ્ઞાન ભવનના નવા બનેલા અધ્યક્ષ ડો. તરલીકા ઝાલાવાડીયા કુલપતિ ઉત્પલ જોશીના મિત્રના પત્ની છે અને રંજન ખૂંટના મિત્ર છે. પ્રોબેશન પર રહેલા ડો. તરલીકા ઝાલાવાડીયાને મનોવિજ્ઞાન ભવનમાં અધ્યક્ષ બનાવવા માટે મોટું રાજકારણ રમાયું હોવાનું કહેવાઈ છે. અલબત્ત રંજન ખૂંટને પણ કેમેસ્ટ્રી ભવનમાં પ્રોફેસર બનાવવા માટે જાહેરાત આપી દેવામાં આવી છે, હવે ટૂંકસમયમાં તેઓને પણ પ્રોફેસર બનાવવાનો તખ્તો ગોઠવાઈ ચૂક્યો છે. ચૂનીંદા-ચહિતા લાગતાવળગતાઓને લાભ ખટાવવા ક્યાં પ્રકારે નીતિ-નિયમો નેવે મૂકવામાં આવે છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ બખૂબી સાબિત કરી આપ્યું છે ત્યારે હવે ન્યાયતંત્ર આ મામલે શું કાર્યવાહી કરશે તેની પર શિક્ષણ જગતની મીટ મંડાયેલી છે.



