ન્યાયાધીશ તરીકે 23 વર્ષ અને મુખ્ય ન્યાયાધીશ તરીકે એક વર્ષ પૂર્ણ કરવાના અવસરે ચંદ્રચુડે કહ્યું કે, અદાલતોનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે, રાજકારણ તેની મર્યાદામાં રહે
દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કોર્ટની અવમાનનાના નિયમને લઈને મોટી ટિપ્પણી કરી છે. વાત જાણે એમ છે કે, CJI ચંદ્રચુડે કહ્યું કે કોર્ટની તિરસ્કારનો નિયમ ન્યાયાધીશને ટીકાથી બચાવવાનો નથી, પરંતુ તેનો હેતુ કોર્ટની ન્યાયિક પ્રક્રિયામાં કોઈપણ વ્યક્તિના હસ્તક્ષેપને રોકવાનો છે. ન્યાયાધીશ તરીકે 23 વર્ષ અને મુખ્ય ન્યાયાધીશ તરીકે એક વર્ષ પૂર્ણ કરવાના અવસરે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે અદાલતોનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે, રાજકારણ તેની મર્યાદામાં રહે.
- Advertisement -
શું કહ્યું મુખ્ય ન્યાયાધીશે ?
એક ઈન્ટરવ્યુ દરમિયાન કોર્ટના તિરસ્કારના કાયદાને સમજાવતા તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ કોર્ટના નિર્ણયનું અપમાન કરે છે અથવા તેના વિશે ખોટું બોલે છે તો તે તિરસ્કારનો મામલો ગણાશે. જો કોઈ વ્યક્તિ કોર્ટની કાર્યવાહીમાં વિક્ષેપ પાડે છે અથવા તેના આદેશોનું પાલન કરવામાં અનિચ્છા કરે છે, તો તેને પણ તિરસ્કાર ગણવામાં આવે છે. પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે, જો કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે, તો તે કેસમાં કોર્ટની અવમાનનાનો કેસ ઊભો થતો નથી.
આ સાથે તેમણે કહ્યું કે, હું સંપૂર્ણ સ્પષ્ટતા સાથે માનું છું કે, ન્યાયાધીશને ટીકાથી બચાવવા માટે તિરસ્કારના નિયમનો ઉપયોગ કરી શકાતો નથી. અદાલતો અને ન્યાયાધીશોએ કામ અને નિર્ણયો દ્વારા તેમની પ્રતિષ્ઠા ઉભી કરવી જોઈએ. આ તિરસ્કારના નિયમ દ્વારા સ્થાપિત કરી શકાતું નથી. ન્યાયાધીશોની પ્રતિષ્ઠા તેમના દ્વારા કરવામાં આવેલા નિર્ણયો અને કાર્ય દ્વારા નક્કી થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, અદાલતોએ મીડિયા અને નાગરિકો સાથે વાતચીત જાળવી રાખવી જોઈએ.
સોશિયલ મીડિયા પરની પોસ્ટને લઈ શું કહ્યું ?
ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, કેટલીકવાર સોશિયલ મીડિયા પરની પોસ્ટ હેરાન કરતી હોય છે અને એવી વસ્તુઓ પણ જેમાં જજોના નામ શેર કરવામાં આવે છે, જે તેઓ કહેતા પણ નથી. ચીફ જસ્ટિસે કહ્યું કે, આવી બાબતોનો સામનો કરવા માટે જરૂરી છે કે આપણે યોગ્ય વાતચીત જાળવીએ. આ સાથે ખોટી માહિતી આપનારા પ્લેટફોર્મ્સ આપોઆપ ઓછા અથવા દૂર થઈ જશે. ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે એક પ્રયોગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એક ન્યૂઝલેટર જાહેર કરવામાં આવશે. જેમાં જનતાને કોર્ટમાં લેવાયેલા નિર્ણયોની સીધી માહિતી મળશે.
- Advertisement -
ખોટી માહિતી આપનાર પ્લેટફોર્મ આપમેળે ખતમ થવા લાગશે
CJI ચંદ્રચુડે વધુમાં કહ્યું કે, આ સાથે ખોટી માહિતી આપનાર પ્લેટફોર્મ આપમેળે ખતમ થવા લાગશે. પીઆઈએલ અંગે તેમણે એમ પણ કહ્યું કે, તેમના દ્વારા સામાન્ય લોકો સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે અને આ એક મહત્વપૂર્ણ બાબત છે. જોકે તેમણે એ પણ કબૂલ્યું હતું કે, ઘણી વખત તેમનો ઉપયોગ રાજકીય હિતો પૂરો કરવા અથવા પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવે છે.