ખેતમજૂરનું ફૂલ જેવું બાળક ગાઢનિંદ્રામાં હતું ત્યારે શ્ર્વાન ખેંચી ગયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ઠેબચડા ગામની સીમમાં વાડીમાં ઘોડિયામાં સુતેલા બાળકને શ્વાને ગળે બચકું ભરી લેતા ઘવાયેલા બાળકનું મોત નીપજ્યું હતું. બાળકને બચાવવા દોડેલા તેના પિતા સહિત બે લોકોને પણ શ્વાને બચકાં ભરતા તે બંનેને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઠેબચડા ગામની સીમમાં વાડીમાં ખેતમજૂરી કરતા અને ત્યાં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની પારસભાઇ વસાવા અને તેના પત્ની સહિતના પરિવારજનો વાડીમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેના નવ માસના પુત્ર સાહિલને ઘોડિયામાં સુવડાવ્યો હતો, ફૂલ જેવું બાળક ગાઢનિંદ્રામાં હતું ત્યારે અચાનક જ શ્વાન તેની પાસે ધસી આવ્યું હતું.
- Advertisement -
શ્વાને બાળકને ગળેથી ઊંચક્યું હતું અને બચકું ભરી લીધું હતું, શ્વાનના કરડવાથી બાળકે ચીસાચીસ કરી હતી, વહાલસોયાની ચીસો સાંભળી પિતા પારસભાઇ અને એક વૃદ્ધા તેને બચાવા દોડ્યા હતા અને ઘોડિયા નજીક જતા જ શ્વાને પારસભાઇ અને વૃદ્ધાને પણ બચકાં ભરી લીધા હતા. વહાલસોયાનાં મોતથી વસાવા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.