માસૂમ બાળકના શરીરના ટૂકડે ટૂકડા કરી નાખ્યાં
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જીલ્લામાં સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓની ગ્રામ્ય વિસ્તારોમાં લટાર સતત વધી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાનાં બગસરાના પાણીયા ગામે સવારે મુળ મધ્યપ્રદેશના અને હાલ પાણીયા ગામે રહેતા રાહુલ નારુભાઇ બારીયા નામનો સાત વર્ષીય માસુમ બાળક અન્ય લોકો સાથે નદીકાંઠે જઇ રહ્યો હતો. અને તે દરમિયાન અચાનક સિંહ આવી ચડ્યો હતો. અને સિંહે માસુમ બાળક પર હુમલો કર્યો હતો. અને સિંહે બાળક પર હુમલો કરી ફાડી ખાધો હતો. બાળકના અવશેષો મળી આવ્યા હતા. જોકે બાળકના શરીરને સિંહે ચોથી નાખ્યું હતું. અને માસૂમ બાળકના શરીરના ટૂકડે ટૂકડા કરી નાખ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને બાળકના મૃતદેહના અવશેષો એકત્રિત કરી મૃતદેહને અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ધટના પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. વનવિભાગ દ્વારા સિંહને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. અને અમરેલી તથા લીલીયા વનવિભાગ સાથે વેટરનરી ડોકટરો ટીમ ધટના સ્થળે પહોંચી હતી. વનવિભાગે 2 કલાકની ભારે જહેમત બાદ સિંહને પાંજરે પુરવામાં આવ્યો હતો. સિંહને ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બાબતે શેત્રુંજી ડીવીઝનના ડીસીએફ જયન પટેલે જણાવ્યું કે, આજે સવારે અમરેલીના પાણીયા ગામમાં સિંહે એક 7 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. જેથી બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ શેત્રુંજી ડીવીઝનના અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો. વનવિભાગની ટીમે આ સિંહને બે કલાકની અંદર જ રેસ્ક્યુ કરી લીધો છે. આ સિંહને વધુ પરીક્ષણ અર્થે સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો છે.