મૂળ જેતપુરના પેઢલા ગામના વતની અને હાલ આજીડેમ સર્કલ પાસે રહેતાં મુકેશ ગુજરાતીની પત્નીને રીક્ષા ચાલક સાગર મકવાણા ભગાડી ગયો ’તો: જે મામલે અવારનવાર થતાં ડખ્ખાનો ખાર રાખી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો
પ્રેમ પ્રકરણમાં પત્નીના પ્રેમીએ લોથ ઢાળી: હત્યાની કલમ હેઠળ કાર્યવાહી: મૃતકના બે સંતાનો નોંધારા બન્યાં
હત્યાની ઘટના બાદ ડીસીપી જગદીશ બાંગરવા, થોરાળા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો અને મોડી રાતે આરોપીને ગોંડલ નજીકથી દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. આજી ડેમ સર્કલ પાસે ફૂટપાથ પર રહેતો અને મજૂરીકામ કરતા 41 વર્ષીય યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પત્નીના પ્રેમીએ હત્યા કરી નાસી જતા થોરાળા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાવની જાણ થતાં ડીસીપી, એસીપી પણ દોડી આવ્યાં હતાં. મોડી રાતે આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોંડલ પાસેથી દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે જેતપુરના પેઢલા ગામે પાંચ પીપળા રોડ પર રહેતાં રામજીભાઈ અરજણભાઈ ગુજરાતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સાગર મનસુખ મકવાણા નામના શખ્સનું નામ આપતાં થોરાળા પોલીસે હત્યાનો કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમનો મોટો ભાઈ મુકેશભાઈ ગુજરાતી (ઉ.વ.42) આજી ડેમ ચોકડી પાસે ફૂટપાથ પર રહેતો હતો. ગઈ રાત્રીના તે 80 ફુટ રોડ પર ત્રિશુલ કારખાનાની સામે પીટીસીની દિવાલ પાસે હતો ત્યારે માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા તેના ભાઈને સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતા ડિસીપી જગદીશ બાંગરવા, ક્રાઈમ બ્રાંચ પીઆઈ ડામોર, થોરાળા પીઆઈ વાઘેલા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બનાવ બાદ એક રિક્ષા શંકાસ્પદ હાલતમાં નીકળી હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવાન મજૂરીકામ કરતો હતા અને તેની પત્ની અને બે બાળકો સાથે રહેતો હોવાનું તેમજ કેટલાક સમયથી કંઈ કામ કરતો ન હોવાનું અને તેની પત્નીને કોઈ રિક્ષાચાલક અને આરોપી સાગર મકવાણા સાથે પ્રેમસંબંધ હોય અને મૃતકની પત્નીને સાગર ભગાડી ગયો હતો. જે બાબતે ડખ્ખો થતાં સાગરે યુવકનું ઢીમઢાળી દીધું હોવાનું સામે આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગોંડલ પાસેથી આરોપી સાગરને મોડી રાતે જ પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવથી મૃતકના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરીવારમાં શોક વ્યાપી ગયો હતો.