ભૂકંપ માટે અતિ સંવેદનશીલ ગણાતા કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. મંગળવાર, 22 એપ્રિલ, 2025ની મોડી રાત્રે લગભગ 11:26 વાગ્યે કચ્છ જિલ્લામાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો, જેની પુષ્ટિ ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિઝ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા કરવામાં આવી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈ ગામ નજીક
ISR દ્વારા જાહેર કરાયેલ વિગતો અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના દુધઈ ગામથી આશરે 17 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં, 23.425° ઉત્તર અક્ષાંશ અને 70.237° પૂર્વ રેખાંશ પર નોંધાયું હતું. ભૂકંપનું ઉદ્ભવ સ્થાન જમીનથી 23.6 કિલોમીટરની ઊંડાઈએ હતું.
- Advertisement -
મોડી રાત્રે આવેલા આ ભૂકંપના આંચકાને કારણે કચ્છના અનેક વિસ્તારોમાં લોકો ભય અનુભવાયો હતો અને લોકો થોડી વાર માટે પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આંચકો થોડીક સેકન્ડ સુધી અનુભવાયો હતો અને તેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, સદનસીબે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ જાનહાનિ કે માલમિલકતને મોટા નુકસાનના અહેવાલ મળ્યા નથી.