તારીખ 15 જાન્યુઆરી 2021ના રોજ ‘ખાસ-ખબર’એ રાજકોટ પોલીસ સાથે મળીને નશીલું સિરપ પકડાવ્યું હતું
ખાસ-ખબર સંવાદદાતા
‘ખાસ-ખબર’ પોતાની લોકહિત માટેની અલગ-અલગ ઝુંબેશ માટે સદાય અગ્રેસર રહ્યું છે. તેમાં પણ નશીલા પદાર્થો જેવા કે, ગાંજો, એમડી, દેશી-વિદેશી દારૂના અડ્ડા વિરૂદ્ધ ‘ખાસ-ખબર’ની કેટલીક ઝુંબેશોએ અસરકારક પરિણામ પણ લાવ્યા છે. આજથી ચાર વર્ષ પહેલાં જ્યારે ‘ખાસ-ખબર’ની શરૂઆત થઈ હતી ત્યારે તા. 15 જાન્યુઆરી 2021ના અંકમાં આયુર્વેદિક સિરપના નામે ચાલતા નશાના કાળા કારોબારનો સૌપ્રથમ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ‘ખાસ-ખબર’ના આ અહેવાલ બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો પણ આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલયુક્ત પીણું વેંચનારાઓ સામે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા. ત્યારબાદ સમયાંતરે ફેબ્રુઆરી 2022, ડિસેમ્બર 2022, જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023ના કેટલાક અંકોમાં પણ ‘ખાસ-ખબર’ દ્વારા ક્યારેક પોલીસને સાથે રાખી તો ક્યારેક સ્ટિંગ ઓપરેશન કરી કહેવાતી આયુર્વેદિક સિરપની આડમાં ખુલ્લેઆમ ચાલતા નશાના ધીગતા ધંધા મામલે ગૃહવિભાગથી લઈ ડ્રગ્સ અને ફૂડ વિભાગને પણ ઢંઢોળવામાં આવ્યા હતાં છતાં તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં ન આવતા આજે રાજ્યનો પ્રથમ સિરપકાંડ બની ચૂક્યો છે.
- Advertisement -
ક્યા-ક્યા નામથી આયુર્વેદિક સિરપ માર્કેટમાં મળે છે?
જેરીજેમ હર્બી ફ્લો સ્લીપવેલ યુરીસ્ટાર સ્ટોનહિલ
ઈઝીસ્લીપ સોનારીસ્ટા સુનિદ્રા મેઘાસવ અશ્ર્વસવ
‘ખાસ-ખબર’એ ઝેરીલાં સિરપ અંગે શ્રેણીબદ્ધ અહેવાલો પ્રકાશિત કર્યા હતાં, જો સંબંધિત વિભાગોએ વાત હળવાશથી ન લીધી હોત તો સિરપકાંડથી મોત નિપજ્યાં જ ન હોત!
- Advertisement -
હાલ ગુજરાતમાં કહેવાતા આયુર્વેદિક સિરપ પીધા બાદ અડધો ડઝન જેટલા લોકોના થયેલા મૃત્યુ અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ખેડા જિલ્લાના બગડુ તથા બિલોદરા ગામ ખાતે છ લોકોના કહેવાતી આયુર્વેદિક સિરપના સેવનથી મૃત્યુ થયા છે, જે અનુસંધાને રાજ્યના તમામ શહેર-જીલ્લાઓમાં ફરી કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં 3000થી વધુ દરોડા કરવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન કુલ 67 આરોપીઓ સામે 12 ઋઈંછ દાખલ કરાઈ છે. 92 જેટલી જાણવાજોગ ફરિયાદો પોલીસે દાખલ કરી છે. આ સિવાય 22 આરોપીઓની અટકાયત પણ પોલીસે કરી છે. આશરે 400 ફાર્માસિસ્ટ, વેપારીઓ સાથે પોલીસે બેઠક કરીને સમજાવટનો કર્યો પ્રયાસ છે. એટલું જ નહીં, હજારો બોટલો કહેવાતા આયુર્વેદિક સિરપની પકડી પાડવામાં આવી છે. ખેડામાં કહેવાતા આયુર્વેદિક સિરપ પીધા બાદ જે રીતે કેટલાક લોકોના ટપોટપ મૃત્યુ થયા તેમ હવે કહેવાતી આયુર્વેદિક સિરપ પીને વધુ લોકોના મૃત્યુ ન થાય તે માટે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી પ્રસંશનીય છે પરંતુ ઘણી મોડી અને ઠંડી છે. જો પોલીસ કે તંત્ર ઈચ્છતું તો આજથી ઘણા સમય પહેલા જ કહેવાતી આયુર્વેદિક સિરપના નામે ખુલ્લેઆમ ચાલતો નશાનો કાળો કારોબાર રોકી શકતું હતું. અફસોસ પોલીસની ઢીલી નીતિ તો તંત્રના આંખ આડા કાન અને કાન આડા મોઢા કરવાની આદતને કારણે કહેવાતી આયુર્વેદિક સિરપ જાહેરમાં સરળતાથી વેંચાતું રહ્યું અને પીવાતું રહ્યું. પરિણામસ્વરૂપે આજે છ જેટલી જિંદગી અને અનેક પરિવાર બરબાદ થઈ ચૂક્યા છે. આયુર્વેદિક સિરપના નામે ચાલતો નશાનો કાળો કારોબાર ઘણા માટે કાળ બની ચૂક્યો છે. આજકાલનું નહીં પરંતુ ઘણા સમય પહેલાથી જ ઠેરઠેર પાનમસાલા, કોલ્ડડ્રિન્ક્સ કે કરિયાણાની દુકાનો સહિત અનેક જગ્યાએ આયુર્વેદિક સિરપનું વેચાણ કરાઈ રહ્યું છે, તે પણ ગેરકાયદે રીતે ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વગર. યુવાધન પણ આ પ્રકારની નશીલા સિરપનું સેવન કરી રહ્યા છે. આ તમામ અંગે ‘ખાસ-ખબર’ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં વાંરવાર વિશેષ અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. કહેવાતા આયુર્વેદિક સિરપ વેંચતા વેપારીઓનું સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. પોલીસને સાથે રાખી નશીલા સિરપ વેચનારાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા પરંતુ અફસોસ ‘ખાસ-ખબર’ના અનેકો પ્રયાસો બાદ પણ કોઈના પેટનું પાણી હલ્યું નહતું, આલ્કોહોલયુક્ત સિરપનું બેરોકટોક વેંચાણ ચાલુ હતું અને હવે જ્યારે ખેડામાં કહેવાતી આયુર્વેદિક સિરપ બાદ છ જેટલા લોકો મોત થયા છે એટલે આખી સિસ્ટમ સફાળી બેઠી થઈ ગઈ છે. ખેર દેર આયે દુરસ્ત આયે.. સિરપકાંડ બાદની આયુર્વેદિક સિરપ બનાવનાર અને વેંચનાર વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલું જ રહેશે તો હકારાત્મક પરિણામ જરૂર મળશે.
નશો કરાવતા આયુર્વેદિક સિરપમાં આલ્કોહોલ કેટલો હોય છે?
નશો કરાવતા આયુર્વેદિક સિરપમાં 12 ટકાથી વધારે આલ્કોહોલ હોય છે. આયુર્વેદિક સિરપમાં બિયર કરતા બે ગણુ આલ્કોહોલ એટલે કે 12 ટકાથી વધારે 15 ટકા જેટલો આલ્કોહોલ હોવાથી દારૂ જેટલો નશો થાય છે.
સિરપ વેંચવાની મોડસ ઓપરેન્ડી?
નિયમ અનુસાર આયુર્વેદિક દવામાં 12 ટકાથી ઓછું આલ્કહોલ હોવું જોઈએ. 12 ટકાથી ઓછું આલ્કોહોલ હોય તો નશાબંધીની જોગવાઈ અનુસાર કાર્યવાહી થતી નથી. આયુર્વેદિક સિરપ પર 11 ટકાથી ઓછું આલ્કોહોલ હોવાનું લખવામાં આવે છે જેથી કાયદાના દાવપેચથી બચી શકાય. વાસ્તવમાં તેમાં 15 ટકા કરતાં વધુ આલ્કોહોલ હોય છે. મતલબ કે, માર્કેટમાં મળતી કહેવાતી આયુર્વેદિક સિરપમાં સેલ્ફ જનરેટેડ નહીં, એડેડ આલ્કોહોલ છે. અગાઉ એફએસએલમાં પણ આ બાબતનો પુરાવો મળી ચૂક્યો છે. આ આલ્કોહોલયુક્ત પીણામાં કુદરતી રીતે ઓસડિયામાં આથો લાવવામાં આવતો નથી, પરંતુ તેમાં આલ્કોહોલવાળું કેમિકલ ઉમેરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક છે.
સિરપકાંડના મૂળિયા ઊંડા: પાનનાં ગલ્લાં સુધી પહોંચી ગયેલા ઝેરની બદી ડામવાનું મુશ્કેલ: ઉગતાં જ ડામી શકાયું હોત આ ઝેરવૃક્ષ
કહેવાતા આયુર્વેદિક સિરપમાં શું હોય છે?
પાણી, ઈથેનોલ કેમિકલ (આલ્કોહોલ), સાઈટ્રિક એસિડ, સ્વીટનર અને ફલેવર.
કઈ રીતે થયો સિરપકાંડ?
આસવ અને અરિષ્ટ એ બે મહત્વપૂર્ણ આયુર્વેદિક ફોમ્ર્યુલેશન છે જે વિવિધ રોગોની સારવાર માટે 3000થી વધુ વર્ષોથી ઉપયોગમાં લેવાય છે. તેની મોટેભાગે શરીર પર કોઈ આડઅસર થતી નથી. પરંતુ ખેડામાં સિરપ પીધા બાદ થયેલા શંકાસ્પદ મોતનાં કિસ્સામાં વપરાયેલા પીણામાં આસવ અરિષ્ટના બદલે કોઈ ભળતું પ્રવાહી હશે. એક ગાઈડલાઇન પ્રમાણે આસવ અરિષ્ટમાં 12%થી વધારે આલ્કોહોલ ન વાપરી શકાય. આ પીણું મેઘાસવ નામે પીવાતું હતું જેમાં આલ્કોહોલ એટલે કે દારૂનું પ્રમાણ તેનાથી વધારે હોવાનું અનુમાન લગાવી શકાય છે. કેમીસ્ટના જણાવ્યા અનુસાર ઇથાઇલ આલ્કોહોલ બને છે પરંતુ જો તેનાં બદલે મીથાઇલ આલ્કોહોલ બને તો તે જોખમી સાબિત થઈ શકે છે. આલ્કોહોલ બે જાતનાં હોય છે. ઇથાઇલ આલ્કોહોલ અને મિથાઈલ આલ્કોહોલ. પીવામાં જે વપરાય છે તે ઇથાઇલ આલ્કોહોલ હોય છે જે નુકશાનકારક નથી પણ મિથાઇલ આલ્કોહોલ પીવા માટે કોઈ હિસાબે યોગ્ય નથી. સ્પિરિટમાં મિથાઇલ આલ્કોહોલ હોય છે જેથી તે કોઇ પી શકતું નથી. સ્પિરિટ, વાર્નિશમાં જે મિથાઇલ આલ્કોહોલ હોય છે તેને ફાડી નાખીએ એટલે તે મિથાઇલમાંથી ઇથાઇલ આલ્કોહોલ બની જાય છે અને તે પી શકાય એવું હોય છે. પરંતુ જ્યારે આ આખી પ્રક્રિયા કરવામાં કોઇ ખામી રહી જાય છે ત્યારે લોકો મિથાઇલ આલ્કોહોલ પીવે છે જેને દેશી ભાષામાં લઠ્ઠો કહે છે અને આ પ્રવાહી પી થતા મોતની ઘટનાને લઠ્ઠાકાંડ કહેવાય છે. આ જ પ્રકારે સિરપની બનાવટમાં ખામી સર્જાતા સિરપકાંડ થયું છે.
આયુર્વેદિક સિરપને પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોર કે બકાલા માર્કેટમાં વેંચી જ કેમ શકાય?
આયુર્વેદિક દવાઓના ઉત્પાદનનો હેતુ તો કેટલીક બીમારીઓમાં રાહત આપવા માટેનો બતાવાયો છે, પણ તેનો લોકો નશા માટે ઉપયોગ કરતા થઈ ગયા છે. આ પહેલાં પણ કફ સિરપનો ઉપયોગ નશા માટે થતો હોવાથી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર તે વેંચવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. જોકે, આ પ્રતિબંધનો પણ વાસ્તવિક અમલ કેટલો થતો હશે તે રામ જાણે. હવે આલ્કોહોલયુક્ત પીણા આયુર્વેદિક સિરપના નામે પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોર કે બકાલા માર્કેટમાં વેંચાઈ રહ્યા છે. આવી દવાઓ આયુર્વેદિક લેબલ કે કાયદાની આંટીઘૂંટી હેઠળ વેંચાતી હોવાનું તેના વેંચાણ માટે પરવાનગી કે ડોક્ટરોનું પ્રિસ્ક્રિપ્શન લેવું જરૂરી નથી, પરંતુ ઉત્પાદન કરવા માટે લાયસન્સ મેળવવું પડતું હોય છે ત્યારે આનું વેંચાણ મેડિકલ સ્ટોર દ્વારા જ થઈ શકે તો આવી સિરપ પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોર કે બકાલા માર્કેટમાં વેચી જ કેમ શકાય એ મોટો સવાલ છે.