રમેશ પારેખ સાહિત્ય વર્તુળ, અમરેલી દ્વારા
કવિ દલપત પઢિયાર અને સ્થાનિક કવિઓના કવિ સંમેલનનું પણ આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતી ભાષાના કાવ્ય સાહિત્યના પ્રસારના ઉમદા હેતુથી શરૂ થયેલી સાહિત્યની વિવિધ પ્રવૃત્તિ અંતર્ગત 27મી નવેમ્બરે એટલે કે કવિ રમેશ પારેખના જન્મ દિવસે અમરેલીની એસ. એસ. અજમેરા સ્કુલના સભાખંડમાં સાંજના 8.30 કલાકે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વર્ષ 2023નો કવિવર રમેશ પારેખ એવોર્ડ ગુજરાતી ભાષાના પ્રખ્યાત કવિ સંજુ વાળાને પ્રથમ એવોર્ડ તરીકે, ગુજરાતી ભાષાના ખ્યાતિપ્રાપ્ત કવિ અને રવિભાણ સંપ્રદાયના ગાદીપતિ દલપત પઢિયારના વરદ હશે આપવામાં આવશે.
સંજુ વાળાની કવિતા વિશે, જાણિતા કવિ-વક્તા અને ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ રસપ્રદ વ્યાખ્યાન આપશે. આ સમારોહમાં અમરેલીના જાણિતા સાહિત્ય રસિક અને નામાંકિત ડોક્ટર ભરતભાઇ કાનાબાર, નાથીમા-હરિબાપા પરિવારમાંથી શાંતિલાલ પરમાર અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે.
કાર્યક્રમનું સંચાલન કવિ સ્નેહી પરમાર કરશે. આ એવોર્ડ અર્પણ સમારોહની સાથે એક કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કવિ દલપત પઢિયાર, કવિ સંજુ વાળા, સમીર ભટ્ટ અને અમરેલી નગરના ગણમાન્ય કવિઓ હરજીવન દાફડા, સ્નેહી પરમાર, કેતન કાનપરિયા, મુકેશ દવે, રોહિત જીવાણી, ગોપાલ ઘકાણ અને મૂકેશ જોગી
પોતાની કાવ્યરચનાઓથી શ્રોતાઓને રસતરબોળ કરશે.
આ ભવ્ય કાર્યક્રમ માટે આ સંસ્થાના પ્રમુખ અને જાણીતા કવિ હરજીવન દાફડા, જાણીતા એસ્ટ્રોલોઝર અને કવિ તથા સંસ્થાના મહામંત્રી રોહિત જીવાણી દ્વારા આ ઉમદા સાહિત્યયજ્ઞમાં ઉપસ્થિત રહેવા માટે હૃદયપૂર્વક જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.