ખાસ-ખબર સંવાદદાતા
જય જલારામ ગ્રુપ સાગર નિર્મળની જય જલારામ સાથે એક અખબારી યાદી જણાવે છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પ.પૂ. સંત શ્રી જલારામબાપાની 224મી જન્મજયંતી નિમિત્તે વીરપુર ચાલીને 150 કરતા વધુ પદયાત્રિકો જોડાયા છે. 1975 થી જુનાગઢના રામમંદિરથી શરુ કરેલ પદયાત્રા દર વર્ષે કારતક સુદ છઠ્ઠ એટલે કે જલારામ જયંતીનાં આગલા દિવસે સવારે 5 વાગ્યે નીકળે છે અને રાત્રે 8 વાગ્યે વીરપુર જલારામ મંદિર પહોંચે છે.આ વર્ષે પણ પરમ પૂજ્ય સંત જલારામબાપની 224મી જન્મ જ્યંતી નિમિત્તે વર્ષોની પરંપરાથી ચાલતી જલારામ પદયાત્રામાં પંચહાટડી ચોક ખાતે વહેલી સવારે 5 વાગ્યે તિલકવિધિ બાદ જલારામ મંદિર પોસ્ટઓફિસ રોડ પરથી 18/11/2021 નાં રોજ વહેલી સવારે 150 થી વધુ લોકો દ્વારા જય જલિયાણનાં ગગનભેદી નારા સાથે પ્રસ્થાન કરેલ. ચાલીને જતા લોકોને, આર્યુવેદીક રોગપ્રતિકારક શક્તિ વધારતો ઉકાળો, પાણીની બોટલ, લીંબુ સરબત, કોલ્ડ ડ્રિંક્સ, તેમજ જરૂરી દવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ચાલીને જતા પદ યાત્રિકોને પરત જૂનાગઢ આવા માટે વિના મૂલ્યે બે લક્ઝરી બસની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. એવીજ રીતે મોડી સાંજે પણ 200 થી વધુ પદયાત્રીઓ મિત્રમંડળ સાથે રવાના થતા હોય છે અને કારતક સુદ સાતમ અને જલારામ જયંતીને વહેલી સવારે પરમ પૂજ્ય સંત શ્રી જલારામબાપાનાં ચરણોમાં શીશ નમાવી વંદન કરવા પહોંચે છે.
વર્ષોની પરંપરા સાથે જૂનાગઢથી વીરપુર જલારામ ભક્તો દ્વારા પદયાત્રાનું થયું આયોજન
