કેબિનેટ મંત્રીઓ, મેયર, ડે. મેયર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિતનાઓની ખાસ ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
લેઉવા પટેલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ઐતિહાસિક નવા વકીલોના સંમેલનમાં 1400થી વધારે પાંચ વર્ષની પ્રેક્ટિસ કરતા મોટી સંખ્યામાં મહિલા એડવોકેટો પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલે તેના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પોતે પણ વકીલ છે અને નવા વકીલોએ થ્રી મેજર એક્ટ આપવાથી કાયદાનું ઘડતર થશે અને દેશના ઇતિહાસ જુઓ તો ભારતની સ્વતંત્રતાથી કોઈપણ આંદોલન હોય તેમાં હંમેશા વકીલો અગ્રેસર રહ્યા છે અને વકીલો એ જ નેતાગીરી સંભાળી અને આ દેશને આઝાદ કર્યો હતો. તો કેન્દ્રીય મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા મોટી સંખ્યામાં હાજર રહેલા વકીલોને ગરીબ અને જરૂરિયાત વાળા લોકોને મદદ કરવા અને મોટી સંખ્યામાં આજે જ્યારે બહેનો આજે છે ત્યારે વડાપ્રધાન મોદીએ બહેનો માટે 33% અને 50% થી વધુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં નોકરીની જાહેરાત કરી છે. મહિલા વકીલોએ પણ ગુજરાતના વિકાસમાં સૌનો સાથ સૌનો વિકાસને સાર્થક કરવા આગળ વધવાની જરૂરિયાત છે. ગુજરાત દેશની અંદર સશક્તિકરણ બેટી બચાવો વગેરેમાં અગ્રેસર છે. મહિલા વકીલો પણ ન્યાયાધીશ અને ઉચ્ચ સ્થાને બિરાજે તેવી શુભકામના પાઠવી હતી. ગુજરાત રાજ્યના ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા વકીલોની આટલી મોટી મેદની જોઈ ખૂબ રાજી થયા હતા અને સમાજમાં વકીલોને જરૂરિયાત કેટલા અંશે રહેલી છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમ જ વકીલો દેશની દિશા પણ બદલી શકે એટલી તાકાત ધરાવે છે. તે વકીલોએ ભૂતકાળમાં કરી બતાવ્યું છે. વકીલો માત્ર વકીલાત નથી કરતા પણ સમાજ સેવાનો એક ભાગ છે. આજે નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં સંસ્થા આગળ વધી તે બદલ સંસ્થાને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે રાજકોટના મેયર નયનાબેન પેઢળિયા તથા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ પણ રાજકોટ શહેરના જિલ્લાને લગતા કાર્યોની વાત કરી હતી અને પ્રવચન કર્યા હતા. વકીલોને સમાજનો અંગ હોય સમાજમાં વિશેષ કાર્ય કરવા જણાવ્યું હતું. સંસ્થા દ્વારા ઉપસ્થિત મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને દંડક તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેનનું શીલ્ડ આપી ભવ્ય સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને તેમજ કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરીયા, ખોડલધામના શિરોમણી નરેશભાઈ પટેલ અને ધારાસભ્યો અગમ્ય કારણોસર હાજર રહી શકયા ન હોય સંસ્થાને કાર્યક્રમ સંબંધે શુભેચ્છા પત્ર પાઠવ્યો હતો. 1400થી વધુ વકીલોને સ્વરુચિ ભોજન બાદ થ્રી મેજર એક્ટ વિનામૂલ્યે આપવામાં આવ્યો હતો. ઇતિહાસની અંદર સૌ પ્રથમવાર બન્યું છે કે આટલું મોટું ફંક્શન મહિલા વકીલો દ્વારા સફળ બનાવવામાં આવ્યું છે.