કાપડની દુકાનની આગથી 25 દુકાનો ઝપટમાં, ફાયર અને આર્મી પહોંચ્યા: કરોડોનું નુક્સાન થયાનું અનુમાન
મુખ્ય બજારમાં અફડાતફડીનો માહોલ: આગ 70% કાબૂમાં
ખાસ-ખબર સંવાદદાતા
ધ્રાંગધ્રા શહેર મધ્યે મુખ્ય વેપારી મથક ગણાતા રાજકમલ ચોકમાં વહેલી સવારે અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. વિકરાળ સ્વરૂપે લાગેલી આગની ચપેટમાં 25 જેટલી દુકાનો આવી હતી. જેથી દિવાળીના સમયે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે. ધ્રાંગધ્રા, હળવદ, સાણંદ, વિરમગામ સહિતની ફાયર ટીમો તેમજ આર્મીની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ધ્રાંગધ્રા આર્મી જવાનોની સ્પેશિયલ ટુકડી પણ આગને કાબૂમાં લેવાના સતત પ્રયાસ કરતી નજરે જોવા મળી હતી. જો કે, વહેલી સવારે લાગેલી આગથી દુકાનો બળીને ખાખ થઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા વહેલી સવારથી પાલિકા પ્રમુખ, પાલિકા તંત્ર, મામલતદાર સ્ટાફ સહિત સમગ્ર પ્રશાસન શહેર મધ્યે પહોંચી આગ કાબૂમાં લેવા પ્રયત્નશીલ જોવા મળ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રાજકમલ ચોક પાસે વ્યાસ સિલેક્શનમાં વહેલી સવારે અગમ્યો કારણસર આગ લાગતા આજુબાજુના કોમ્પલેક્સમાં અંદાજિત 25 દુકાનોમાં આગ ભભૂકી ઊઠી હતી. ફાયરની ટીમને જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ધ્રાંગધ્રા આર્મી તથા સુરેન્દ્રનગર વઢવાણ હળવદ સહિતની ફાયરોની ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. આ ઉપરાંત વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રોટરી ક્લબ, જાગનાથ મહાદેવ ટીમ, દયાવાન ગ્રૂપ, પક્ષી બચાવો ગ્રૂપ, સ્વચ્છતા મિશન ગ્રૂપ સહિત અનેક સામાજિક સંસ્થાઓ પણ આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. ધ્રાંગધ્રા કાપડના શોરૂમમાં લાગેલી આગ નજીકની 25 દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. વેપારીઓ પોતાની દુકાનોમાં ભરેલો મુદ્દામાલ બચાવવાનો પ્રયાસ હાથ ધરતા હોય તેવાં દૃશ્ર્યો ધ્રાંગધ્રાની બજારમાં ઊભાં થયાં હતાં. આગ સતત આગળ વધી રહી હતી. આ ભયાવહ આગની ઘટનાના પગલે અફડાતફડીનો માહોલ ધ્રાંગધ્રાની બજારમાં સર્જાયો હતો.
ધ્રાંગધ્રાના ડીવાયએસપી જે ડી પુરોહિતે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ફાયરની ટીમને અને પોલીસને કોલ મળેલો હતો કે ધ્રાંગ્રધા શહેરમાં વેદાંત કોમ્પલેક્સમાં આગ લાગી છે. જેથી તાત્કાલિક ફાયરની ટીમો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઉપરાંત આર્મીને પણ જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત આજુબાજુના જિલ્લાની અને તાલુકાની નગરપાલિકાની ફાયરની ટીમો પણ પહોંચી હતી. ડોક્ટરની ટીમ પણ ઉપસ્થિત છે. હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ છે. 70% જેટલી આગ કાબૂમાં હાલ આવી ગઈ છે. બપોર સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાશે. આર્મીના 8 સિનિયર ઓફિસર તેમજ 120 જવાનો ખડેપગે હાજર રહ્યા છે. આસપાસની મોટાભાગની દુકાનો આગની ચપેટમાં આવી છે. બેથી અઢી કરોડનું નુકસાન થયું હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે.