ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સ્પષ્ટ વાત: સ્ટાલીન વિવાદ વચ્ચે સૂચક વિધાનો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં તાજેતરમાં સનાતન ધર્મ અને સ્વામિનારાયણ વિશે જબરો વિવાદ અને તામિલનાડુમાં શિક્ષણમંત્રી ઉદયનીધિ સ્ટાલીનના બફાટ વચ્ચે હવે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી અને ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે એવું જાહેર કર્યુ છે કે ધર્મ માત્ર એક જ ‘સનાતન’ છે અને બાકીના બધાય સંપ્રદાય છે. ગુજરાતમાં સનાતન અને સ્વામિનારાયણ વિવાદ સરકારની મધ્યસ્થીથી માંડ શાંત પડયો હતો. આ સિવાય તામિલનાડુના શિક્ષણમંત્રી અને એમ.કે.સ્ટાલીનના પુત્ર ઉદયનીધિએ સનાતન ધર્મ વિશે બેફામ ઉચ્ચારણો કર્યા હતા. તેવા સમયે યોગી આદિત્યનાથના વિધાનો અત્યંત સુચક બની જાય છે. તેઓએ કહ્યું કે સનાતન જ એક માત્ર ધર્મ છે. અને બાકીના અન્ય તમામ પંથ-સંપ્રદાય છે. જેઓની પુજા-પ્રાર્થના કરવાની રીત ભીન્ન છે. શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞના એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેઓએ કહ્યું હતું કે સનાતન સિવાયના તમામ સંપ્રદાયો જ છે અને તેઓની પુજા, ધાર્મિક વિધિ જુદી છે. સનાતન એ માનવતાનો ધર્મ છે અને તેના પર હુમલો કે આક્રમણ થશે તો વૈશ્ર્વિક સ્તરે માનવતાની કટોકટી સર્જાશે. તેઓએ સંકુચિત માનસિકતા ધરાવતા વર્ગ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવતને ખુલ્લા મને આત્મસાત કરવાની જરૂર છે અને તે જ મહત્વનું છે.માનસિક સંકુચિતતાથી નુકસાન થાય છે. તામિલનાડુના શિક્ષણ પ્રધાન ઉદયનિધિ સ્ટાલીને સનાતન ધર્મ વિશે ઘણો બફાટ કર્યો હોવાનો અત્રે ઉલ્લેખનીય છે. ઉદયનિધિએ સનાતન ધર્મને ડેંગ્યુ-મેલેરીયા સાથે સરખાવ્યો હતો. સનાતન ધર્મનો માત્ર વિરોધ કરવાનું પુરતું નથી. પરંતુ તેનો સફાયો કરવાની જરૂર હોવાનું જાહેર કર્યુ હતું. સનાતન ધર્મ સામાજીક ન્યાય તથા સમાનતાથી વિરૂધ્ધ હોવાનું કહ્યું હતું. ડેંગ્યુ-મેલેરીયા મચ્છર, કોરોના જેવી બીમારીઓને નાબુદ કરવી પડે તેમ સનાતન ધર્મને ખત્મ કરવો જોઇએ. ઉદયનિધિના આ વિધાનો સામે દેશભરમાં તિવ્ર પ્રત્યાઘાતો પડયા હતા. ભાજપ તથા હિન્દુવાદી સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.