ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકારના ગઇંજછઈ વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ કે જે ઈંજચીફ (ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્વોલિટી ઇન હેલ્થ કેર) દ્વારા પણ પ્રમાણિત થયેલ છે તેના ધારાધોરણો મુજબ જે તે આરોગ્ય સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ અપાતી સેવાઓના કુલ 250 માપદંડો અને 1364 મુદ્દાઓની ચકાસણી કરીને તેમાં 70% થી વધુ માર્કસ મેળવનાર આરોગ્ય સંસ્થાને જ આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. તે અંતર્ગત તા. 22 અને 23 ઓગસ્ટ એમ સતત બે દિવસ સુધી ભારત સરકારની ઈન્સ્પેકશન ટીમ દ્વારા મોરબીનાં ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ ધારાધોરણો મુજબ ચકાસણી કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓ.પી.ડી., ઈન્ડોર, લેબોરેટરી, લેબર રૂમ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ તેમજ જનરલ એડમિનિસ્ટ્રેશન જેવા છ વિભાગોના કુલ 250 માપદંડોના 1364 મુદ્દાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. દર્દીઓને અપાતી સેવાઓ, ઉપલબ્ધ સાધન સામગ્રી, સંસ્થાની સ્વચ્છતા વગેરે જેવા માપદંડો માં ભરતનગર 81.20 % ગુણ સાથે ઉતીર્ણ થયેલ અને ઈન્ટરનેશનલ લેવલની ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવાઓ આપતી આરોગ્ય સંસ્થાનું બહુમાન મેળવી ભરતનગર ગામનું અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર 6 બેડ ધરાવતી સરકારી આરોગ્ય સંસ્થા છે જેમાં સરકાર દ્વારા નક્કી કરાયેલ કુલ 17 લેબોરેટરી તપાસ, ટી.બી, મેલેરિયા, રક્તપિત જેવા વિવિધ રોગોની સારવાર, સગર્ભા સ્ત્રીઓ તથા બાળકોને વિવિધ રોગો વિરોધી રસી અને આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે. વધુમાં દર્દીઓને બેસવા માટેની વ્યવસ્થા, વાહન પાર્કિંગની સુવિધા, યોગ અને પ્રાણાયામ કરવા માટે ગાર્ડનની સુવિધા તેમજ વિવિધ રોગો મટાડવા માટે ઉપયોગી એવા ઔષધીય વૃક્ષો સાથેનું હર્બલ ગાર્ડન જેવી અનેક સુવિધાથી
સજ્જ છે.