ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબરથી દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ એક તારીખ, એક કલાકના સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન કાનાભાઈ મૂછારના અધ્યક્ષસ્થાને નવા સર્કિટ હાઉસ સામે સોમનાથ બીચ ખાતે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. સોમનાથ બીચની સામૂહિક સફાઈ કરી પ્લાસ્ટિક વેસ્ટ, નકામા ટાયર, ઝબલાઓ, કપડાના ટૂકડાઓ, પ્લાસ્ટિકની ખાલી બોટલો, કાચની નકામી બોટલ સહિતનો કચરો એકત્રિત કર્યો હતો આશરે 10 ટન કરતા વધુ કચરો એકત્રિત કરાયો હતો જેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો. આ શ્રમદાનમાં ઈન્ચાર્જ કલેક્ટર અને ડીડીઓ રવિન્દ્ર ખતાલે અને પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, દર્શનાબહેન ભગલાણી, કે.વી.બાટી, પલ્લવીબહેન બારૈયા સહિત જિલ્લા વહીવટીતંત્રના કર્મચારીઓ, અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઈ પરમાર સહિત જનપ્રતિનિધિશ્રીઓ, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા, પોલીસતંત્રના કર્મચારીશ્રીઓ, આરોગ્યવિભાગ તેમજ સફાઈ કામદારશ્રીઓ, સંસ્કૃત યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સહિત આસપાસના વિસ્તારના રહેવાસીઓની પણ બહોળા પ્રમાણમાં સહભાગીદારી રહી હતી.