ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર પોલીસની પાંચ ટીમોએ અપહરણ કરેલ બાળકને બાર કલાકમાં છોડાવ્યો હતો. શાળાએ જતા આઠ વર્ષના બાળકનું છરીની અણીએ બે શખ્સોએ અપહરણ કરી દીકરો જોતો હોય તો દીકરી આપી દેવાની ફોનમાં ધમકી આપી હતી. આ બનાવની એવી વિગત છે કે પોરબંદરના ઈશ્વરીયા ગામે રહેતા ભિમશીભાઈ ભીમાભાઇ પીપરોતર નામના આઘેડના આઠ વર્ષના દીકરા રવિનું અપહરણ થયું હતું. અગાઉ ભીમશીભાઈની દીકરી સેજલને પણ ઈકબાલ ઉર્ફે ઇકુ ઈશાક ધાવડા લલસાવી ફોસલાવી ભગાડી ગયો હતો. તે સમયે ફરિયાદ થઈ હતી, અને પોલીસે ભીમભાઈની દીકરીને શોધી કાઢી હતી. ત્યારબાદ આ દીકરીના લગ્ન કરી દેવાયા હતા. આ બાબત પસંદ ન આવ્યું હોવાથી કોઈપણ હિસાબે દીકરી સેજલને ભગાડી જવાની હોવાથી ઈશાક ધાવડા અને તેના ફઇના દીકરા શરીફ દાઉદ ભટ્ટીએ પૂર્વ આયોજિત કાવતરું રચી ભીમજીભાઇના દીકરા રવિનું શાળાએથી અપહરણ કર્યું હતું. શરીરની અણીએ બાઈકમાં અપહરણ કરી ફોન કરી ભીમસિંહ ભાઈને જણાવ્યું હતું કે તારે તારો દીકરાને જીવતો જોતો હોય તો તારી દીકરી મને સોંપી દે. જેથી ભીમસીભાઈએ આ અંગે બગવદર પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક આ બનાવવાની ગંભીરતા લઈ તપાસ શરૂ કરી હતી. પોરબંદર પોલીસ દ્વારા આ ગુનાની ગંભીરતા લઈ બગવદર રાણાવાવ કુતિયાણા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત પાંચ ટીમ બનાવી, મોબાઈલ લોકેશનના આધારે આરોપીને દબોચી લેવા તેમજ તેની ચુંગાલ માંથી આઠ વર્ષના માસુમ બાળકને છોડાવવા પોલીસે પ્રયાસ હાથ ધરી દીધો હતો. બરડા ડુંગરની તળેટીમાં પણ કોમ્બિંગ હાથ ધર્યું હતુ. શાળાએ જતા આઠ વર્ષના બાળકનું છરીની અણીયે અપરણ કર્યું હોવાના બનાવથી પોરબંદર પોલીસની પાંચ ટીમોએ દ્વારકા તેમજ જામનગર પોલીસની મદદ લઈ પ્રશંસનીય કામગીરી કરી આ માસુમ બાળકને અપહરણ કરનાર ઈકબાલ ઈશા ધાવડાની ચુંગાલ માંથી હેમખેમ છોડાવ્યો હતો. પોરબંદર જિલ્લા પોલીસ વડાએ મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગેની માહિતી આપી હતી. અને બાળકને હેમખેમ તેમના પરિવારજનોને સોંપ્યો હતો. ત્યારે પોલીસની કાબિલે દાદ કામગીરીને સૌએ બિરદાવી છે.