સાત દિવસમાં લેખિત ખુલાસો આપવા આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ઘેરાયેલ વાંકાનેરની મહિકા જીલ્લા પંચાયત સીટના સદસ્ય નવઘણભાઈ મેઘાણીએ તાજેતરમાં જ યોજાયેલ મોરબી જિલ્લા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણીમાં પક્ષના વ્હીપનો અનાદર કરતાં આ બાબતે વાંકાનેર તાલુકા તથા મોરબી જીલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા તેમના પર પક્ષ વિરોધી કામ કરવા અને તેઓ ભાજપમાં ભળી ગયા હોવાના આક્ષેપો કર્યા હતા જે બધા વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવઘણભાઈ મેઘાણીને નોટિસ ફટકારીને આ બાબતે સાત દિવસમાં ખુલાસો આપવા આદેશ કરતાં રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એઆઈસીસી ડેલીગેટ અને કારોબારીએ નિયુક્ત કરેલ વ્હીપ માટેના અધિકૃત વ્યક્તિ શૈલેષભાઈ પરમાર દ્વારા વાંકાનેરની મહિકા જીલ્લા પંચાયત સીટના કોંગ્રેસમાંથી ચુંટાયેલ સદસ્ય નવઘણભાઈ મેઘાણીને નોટિસ ફટકારી જણાવ્યું છે કે, નવઘણભાઈ મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ સભ્ય હોય તેમણે તા. 13-09-2023 ના રોજ જીલ્લા પંચાયતનાં પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા માટે આદેશ (વ્હીપ) આપવામાં આવેલ હોય ત્યારે તેમણે કોંગ્રેસ પક્ષના આદેશ (વ્હીપ) ની અવગણના કરી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાના બદલે ગેરહાજર રહ્યા હોય તેની કોંગ્રેસ પક્ષે ગંભીર નોંધ લીધેલ છે.
જેથી આ બાબતે નવઘણભાઈ સામે કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી ? તે અંગે સાત દિવસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને લેખિતમાં ખુલાસો આપવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ નવઘણભાઈ મેઘાણી દ્વારા જો સાત દિવસમાં લેખિત ખુલાસો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને નહીં આપવામાં આવે તો પક્ષ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેનાથી નવઘણભાઈ મેઘાણીનું સદસ્યપદ પણ રદ થઈ શકે છે.