ગુજરાતમાં ચોમાસાનાં આગમનને હજુ એકાદ પખવાડીયાની વાર છે છતાં પ્રિ-મોન્સુન એકટીવીટી જોર પકડવા સાથે તેના પ્રભાવ હેઠળ હળવો-ભારે વરસાદ થવા લાગ્યો છે. ખેડા, નર્મદા, આણંદ, સુરત, અમદાવાદ, સહીત અર્ધો ડઝનથી વધુ જીલ્લાઓમાં ચાર ઈંચ સુધીનો તોફાની વરસાદ થયો હતો.રાજયના અનેક જીલ્લાઓમાં મધરાતે હવામાન પલટાયુ હતું અને એકાએક તોફાની વરસાદ શરૂ થઈ ગયો હતો.રાજયનાં ખેડામાં મોડીરાત્રે 10 થી 12 વાગ્યાના બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો. તેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આજ રીતે આણંદમાં બે કલાકમાં ધોધમાર સાડા ત્રણ ઈંચ વરસાદ ખેડાનાં માતર તથા નર્મદાનાં ડોડીયાવાડામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાજય હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે છેલ્લા ચોલીસ કલાકમાં 82 તાલુકામાં હળવા ભારે ઝાપટાથી માંડીને ચાર ઈંચ સુધીનો વરસાદ થયો હતો સુરત જીલ્લામાં પણ હવામાન પલટા સાથે મોડીરાત્રે વરસાદ થયો હતો. ઉમરપાડા તથા માંગરોળમાં અઢી ઈચ, મહુવામાં બે, કામરેજમાં એક ઈંચ વરસાદ થયો હતો.અમદાવાદ જીલ્લામાં પણ સાર્વત્રીક વરસાદ હતો.અમદાવાદ શહેરમાં મોડીસાંજે એક ઈંચ વરસાદથી જ પાણી પાણી થઈ ગયુ છે.સાણંદમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ હતો.જયારે બાવળા,દસકોઈ, ધંધુકામાં ઝાપટા હતા.
- Advertisement -
આણંદ જીલ્લામાં પણ ચોમાસા જેવા માહોલ વચ્ચે સર્વત્ર વરસાદ નોંધાયો હતો. આણંદમાં સાડા ત્રણ ઈંચ, આંકલાવ સોજીત્રા, તારાપુરમાં સવા ઈંચ તથા બોરસદમાં અઢી ઈંચ જેવો વરસાદ હતો. વડોદરાનાં પાદરામાં સવા ઈંચ તથા સીનોરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. ગાંધીનગરનાં કલોલમાં દોઢ ઈંચ, ઉપરાંત છોટા ઉદેપુર, ભરૂચ, સાબરકાંઠા, મહેસાણા, તાપી, નવસારી સહીતના જીલ્લાઓમાં હળવો ભારે વરસાદ પડયો હતો.