રોજગાર કચેરી અને પોલીસ વિભાગ દ્વારા આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ ભારતીય સેનામાં જોડાઈને રાષ્ટ્રની સેવાની સાથે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને તાલીમનું પ્લેટફોર્મ મળે તે માટે જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના સંવેદનશીલ અભિગમથી જૂનાગઢમાં જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 60 યુવાનોને અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિ વીર સૈનિક ભરતી પૂર્વે નિવાસી તાલીમનો પ્રારંભ કાર્યક્રમ યોજાયો હતો. જુનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા પોલીસ તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે અગ્નિ વીર સૈનિક ભરતી પૂર્વે નિવાસી તાલીમ વર્ગનો પ્રારંભ જુનાગઢ રેન્જ ડી.આઇ.જી નિલેશ જાજડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં એસપી હર્ષદ મહેતાએ યુવાનોને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણથી સફળતા માટે વૈચારિક શક્તિ અને મનોબળ તેમજ યુવાનો ધારે તે સફળતા મેળવી શકે તે માટે વિવિધ દ્રષ્ટાંતો આપીને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. નિષ્ફળતા અને સફળતા વચ્ચે બહુ ફરક હોતો નથી તેમ જણાવી લક્ષ્ય ઉપર તમામ શક્તિ ધ્યાન કેન્દ્રિત કરવા યુવાનોને પ્રેરિત કર્યા હતા.આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક નરેશ મહેતા, ડીવાયએસપી અનિલ પટણી તથા નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી નિકીતા, સહિતના પોલીસ અધિકારીઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.