શ્રી રામાનંદી નવનિર્માણ સેના દ્વારા સાળંગપુર મંદિરના સ્વામીઓને વેધક સવાલ
ખાસ-ખબર સંવાદદાતા
કષ્ટભંજન હનુમાનજીના મંદિર માટે વિખ્યાત સાળંગપુરમાં નવો વિવાદ સર્જાયો છે. હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સહજાનંદ સ્વામીના ભકત તરીકે ચીતરતા ભીંત ચિત્ર અને પેટા મૂર્તિને પગલે આકરો વિવાદ સર્જાયો છે અને સાધુ-સંતોએ ઉગ્ર પ્રતિક્રિયા આપીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આજે શ્રી રામાનંદી નવનિર્માણ સેના ટ્રસ્ટે આ ઘટનાને વખોડી કાઢી છે અને સાળંગપુર મંદિરના ટ્રસ્ટીઓ તથા વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામીજી પાસે ખુલાસા કરવા માટે એક પત્ર લખ્યો છે.
સાળંગપુરમાં ચારેક મહિના પૂર્વે હનુમાનજીની વિશાળ મૂર્તિ મુકવામાં આવી હતી અને તેની પેટા મૂર્તિમાં ભગવાન સહજાનંદ સ્વામીના દાસ તરીકે હનુમાનજીને દર્શાવવામાં આવ્યા હતા. આ મૂર્તિનો વિડીયો વાયરલ થતા તિવ્ર પ્રત્યાઘાતો પડવાનું શરૂ થયું હતું.
રામાનંદી નવનિર્માણ સેના ટ્રસ્ટે કેટલાક પ્રશ્નો કર્યા છે કે, શ્રી હનુમાનજી સાળંગપુર મંદિરમાં સ્થાપવામાં આવેલી મુખ્ય મૂર્તિમાં કપાળ ઉપર કરવામાં આવતું તિલક કરવાનું કારણ ? કર્યાં હિંદુ શાસ્ત્રમાં આ પ્રમાણે હનુમાનજી ના કપાળ ઉપર તિલક દર્શાવવામાં આવ્યું છે ?, શ્રી સાળંગપુર મંદિર પરિસરમાં અન્ય છબીઓ / તકતીઓમાં શ્રી હનુમાનજી મહારાજ, સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીને હાથ જોડી નતમસ્તક હોય અને પ્રણામ કરતા હોય તેવું તથા સહજાનંદ સ્વામીના માતા-પિતાને હાથ જોડી ઉભા હોય અને શ્રી હનુમાનજી મહારાજ સહજાનંદ સ્વામીના દાસ હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. તો આ ક્યા હિંદુ શાસ્ત્રમાં આ બાબતનો ઉલ્લેખ છે તથા દર્શાવવામાં આવ્યું છે તે જણાવશો.