હવે ધારાસભ્ય આંગળીના ટેરવે માહિતી મેળવી શકશે: ધારાસભ્યોને તાલીમનો વર્કશોપ અધ્યક્ષે ખુલ્લો મુકયો: એપનો વ્યાપ વધારી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લવાશે
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની આગામી કામગીરી સંપૂર્ણપણે પેપરલેસ રહેશે. જેને લઇને ધારાસભ્યોને ચાર દિવસ સુધી તાલીમ પણ આપવામાં આવશે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે એપ્લીકેશનનો વ્યાપ વધારી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. ગુજરાત વિધાનસભાની કામગીરી આગામી ચોમાસુ સત્રથી સંપૂર્ણ પેપરલેસ બનશે. વિધાનસભાના સભ્યોને આ માટે ચાર દિવસ સુધી તાલીમ આપવાનું શરૂ કરાયું છે.
- Advertisement -
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે વિધાનસભા સત્ર સહિતની સંપૂર્ણ કામગીરી પેપરલેસ કરી ડિજિટાઇઝ બનાવવા ગુજરાત વિધાનસભા સજજ થઇ ગઇ છે. 13મી સપ્ટેમ્બરથી યોજાનારી વિધાનસભાનું ચોમાસુ સત્ર પેપરલેસ હશે. તે અંતર્ગત રાજયના તમામ ધારાસભ્યોને નેશનલ ઇ-વિધાન એપ્લીકેશનની તાલીમ વર્કશોપની કામગીરી મંગળવારથી ચાર દિવસ માટે શરૂ કરવામાં આવી છે. અધ્યક્ષ ચૌધરીએ વર્કશોપ ખુલ્લો મુકતા વધુમાં જણાવ્યું હતું
કે રાજયના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારીત સમગ્ર કામગીરીમાં જોડાશે. ભવિષ્યમાં આ એપ્લીકેશનનો વ્યાપ વધારતા નાગરિકોને તેમાં જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજિટલી નિરાકરણ વહેલી તકે લાવવા પ્રયત્નો કરાશે. વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને એપ્લીકેશનમાં આવરી લેવાતા ધારાસભ્ય આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે. ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લીકેશનના માધ્યમથી આપી શકશે.