યાત્રાધામ ડાકોરમાં VIP ચાર્જ વસૂલાતાં સોમનાથમાં આવતા યાત્રીઓ નારાજ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ પવિત્ર શ્રાવણ માસ સમયેજ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે વીઆઈપી ચાર્જ વસૂલાતાં સોમનાથમાં આવેલ યાત્રીઓ પણ નારાજ થતાં જોવા મળ્યા હતા અને સોમનાથમાં કોઈ વીઆઇપી દર્શન માટે ચાર્જ ન વસૂલાતો હોઈ તેને લઈને લોકોએ પ્રશંસા પણ કરી હતી.સાથો સાથ આ પૈસા વસૂલવાની પ્રથા તાકીદે બંધ કરાય તેવી શ્રદ્ધાળુઓની જબરી માંગ ઉઠી છે.સુરા સંત અને ઋષિમુનિઓની ભૂમિમાં જો દેવના દર્શનના પૈસા ઉઘરાવાય તો ગુજરાતની ગરિમા ઝંખવાય તેવું શ્રદ્ધાળુઓએ કથન કર્યું હતું.ટુરિઝમ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વિશ્વભર માંથી યાત્રિકો પર્યટકો ભારે ઉત્સાહ અને આનંદથી જ્યારે આવી રહ્યા છે. ત્યારે ગુજરાત સૌરાષ્ટ્રમાં આવા લોકો ને અતિથી દેવો ભવ: માની બગદાણા-સોમનાથ- વીરપુર- સાળંગપુર-સત્તાધાર-ભવનાથ જૂનાગઢ સહીત અનેક તિર્થોમા વિનામૂલ્યૂ પ્રસાદ ઘર ધમધમે છે. તો રહેવા માટે પણ ખૂબ જ વ્યાજબી ભાવે ઉત્તમ સુવિધાઓ જ્યારે લોકો મેળવી રહ્યા છે ત્યારે આવી સેવા ભાવના વચ્ચે ડાકોરમાં વીઆઈપી દર્શન વેરો શરૂ કરાતા શ્રદ્ધાળુઓમાં કચવાટ ફેલાયો છે.
સોમનાથ તીર્થમાં આજે ભાવિકોના પ્રતીભાવ જાણતા ભાવિકો કહ્યું હતું કે જો દેવોના દર્શન માટે પણ જો વીઆઈપી ચાર્જ ઉઘરાવાય તો એ સમગ્ર ગુજરાત રાજ્ય માટે દુ:ખદ ઘટના કહી શકાય અને ડાકોર તીર્થસ્થાન ટ્રસ્ટ દ્વારા તાકીદે આ વીઆઈપી દર્શન વેરો કે જેમાં પુરુષોના 500 રૂપિયા અને મહિલાઓના 250 રૂપિયા તાકીદે બંધ કરાય તેની માંગ શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે.સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવ્યું હતું કે સોમનાથ મંદિરમાં વીઆઇપી દર્શન માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતા નથી.સામાન્ય રીતે ભીડમાં પણ દર્શનાર્થી 20 થી 30 મિનિટની અંદર ભગવાનના દર્શન કરીને નીકળી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.