ચાર્ટર પ્લેન ક્રેશમાં એક ધારાસભ્ય સહિત 10 લોકોના મોત નિપજ્યા
ખાસ-ખબર સંવાદદાતા
મલેશિયાના સેન્ટ્રલ સેલાંગોર રાજ્યમાં એક ચાર્ટર પ્લેન લેન્ડિંગ સમયે ક્રેશ થયા બાદ બે વાહનો સાથે અથડાયું હતું. જેમાં પ્લેનમાં સવાર આઠ લોકો સહિત 10 લોકોના મોત નિપજ્યા છે. સિવિલ એવિએશન ઓથોરિટીના વડા નોરાઝમાન મહમુદના જણાવ્યા મુજબ આ પ્લેને ઉત્તરીય રિસોર્ટ ટાપુ લેંગકાવીથી ઉડાન ભરી હતી અને રાજધાની કુઆલાલંપુરના પશ્ર્ચિમમાં સુલતાન અબ્દુલ અઝીઝ શાહ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. આ દુર્ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ચાર્ટર પ્લેને સુબાંગ એર ટ્રાફિક કંટ્રોલ ટાવર સાથે પ્રથમ સંપર્ક સ્થાનિક સમય મુજબ બપોરે 2.47 કલાકે કર્યો હતો.
- Advertisement -
આ પ્લેનને લેન્ડિંગની મંજૂરી માટે બપોરે 2.48 વાગ્યાનો સમય અપાયો હતો. જોકે, કર્મચારીઓએ ટાવર પરથી બપોરે 2.51 વાગ્યે થોડે દૂર એટલે કે દુર્ઘટનાસ્થળે ધુમાળો જોયો હતો. આ દરમિયાન કર્મચારીઓએ તુરંત અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. સ્થાનિક પોલીસ વડા મોહમ્મદ ઇકબાલ ઇબ્રાહિમે જણાવ્યું હતું કે વિમાન એક કાર અને બાઈક સાથે અથડાયું હતું. બંને વાહનોમાં એક-એક વ્યક્તિ સવાર હતી. પ્લેન ક્રેશમાં રાજ્યના વિધાનસભાના સભ્ય જોહરી હારુનું પણ મોત થયું છે.