ઋષિ સુનકે કહ્યું કે, હું આજે અહીંથી રામાયણ (રામકથા)ની સાથે ભગવદગીતા અને હનુમાન ચાલીસાને યાદ કરીને જાઉં છું
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મંગળવારે મોરારી બાપુની રામકથામાં હાજરી આપી હતી. વાત જાણે એમ છે કે, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારી બાપુની રામકથા થઈ રહી છે. આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પણ મોરારી બાપુના વ્યાસપીઠ પર ‘જય સિયારામ’ ના નારા લગાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઋષિ સુનકે કહ્યું હતું કે, આજે હું PM નહીં, એક હિન્દુ તરીકે આવ્યો છું.
- Advertisement -
શું કહ્યું ઋષિ સુનકે ?
મોરારી બાપુની રામકથા સાંભળવા આવેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોરારી બાપુની રામકથામાં હાજર રહેવું એ સન્માન અને આનંદની વાત છે. તેમણે કહ્યું કે, તેઓ અહીં વડાપ્રધાન તરીકે નહીં, પરંતુ એક હિન્દુ તરીકે જોડાયા છે.
આસ્થા મારા માટે ખૂબ જ અંગત
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું, ‘આસ્થા મારા માટે ખૂબ જ અંગત બાબત છે. તે મને મારા જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન બનવું એ ખૂબ જ સન્માનની વાત છે, પરંતુ આ સરળ કાર્ય નથી. અમારે મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે અને અમારો વિશ્વાસ મને મારા દેશ માટે શ્રેષ્ઠ કરવા માટે હિંમત અને શક્તિ આપે છે.
- Advertisement -
દિવાળી પર દીવા પ્રગટાવવાની વાત કરી યાદ
આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે, જ્યારે હું ચાન્સેલર હતો, ત્યારે 11 ડાઉનિંગ સ્ટ્રીટ પર દિવાળી પર દીવા પ્રગટાવવાની એક અદ્ભુત અને ખાસ ક્ષણ હતી. 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે મારા ડેસ્ક પર ભગવાન ગણેશની સુવર્ણ મૂર્તિ હોવાનું મને ગર્વ છે. સુનકે કહ્યું કે, મને બ્રિટિશ અને હિંદુ હોવાનો ગર્વ છે. આ દરમિયાન તેણે સાઉથ હેમ્પટનમાં તેના બાળપણને પણ યાદ કર્યું અને કહ્યું કે તે ઘણીવાર તેના ભાઈ-બહેનો સાથે પડોશમાં બનેલા મંદિરમાં જતાં હતા.
રામાયણ-ભગવદગીતા અને હનુમાન ચાલીસાને લઈ શું કહ્યું ?
મોરારી બાપુની રામકથામાં પહોંચેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે, હું આજે અહીંથી રામાયણ (રામકથા)ની સાથે ભગવદગીતા અને હનુમાન ચાલીસાને યાદ કરીને જાઉં છું. મારા માટે ભગવાન રામ જીવનના પડકારોનો સામનો કરવા માટે એક પ્રેરણાદાયી વ્યક્તિ બની રહેશે. બાપુ તમારા આશીર્વાદથી હું આપણા શાસ્ત્રોએ જે રીતે શીખવ્યું છે તે જ રીતે આગળ વધીશ. તમે જે કરો છો તેના માટે આભાર. તમારા સત્ય, પ્રેમ અને કરુણાના ઉપદેશો હવે પહેલા કરતા વધુ સુસંગત છે.
મોરારી બાપુને કાળી શાલ પહેરાવી
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મોરારી બાપુને કાળી શાલ પહેરાવી હતી. આ તરફ મોરારી બાપુએ પણ શાલ પહેરાવીને ઋષિ સુનકનું અભિવાદન કર્યું હતું. આ સાથે મોરારી બાપુએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને શિવલિંગ પણ અર્પણ કર્યું હતું.