પચાસે’ક વર્ષના પુરુષને તમે પૂછો કે, કેવો ગયો તમારો જન્મ દિવસ? જવાબ મળશે:
‘આવ્યો એવો ગયો!’ એક ઉંમર પછી વર્ષગાંઠનો કોઈ ચાર્મ નથી હોતો. એક રૂટિન બની જાય છે પછી. પણ, અમે હજુ ત્રણ વર્ષના બબુડીયા છીએ. ચોથું વર્ષ બેસી રહ્યું છે. અમારા અંતરમાં ઉમંગ છે, આંખમાં ઝગમગાટ અને આખા અસ્તિત્વમાં થનગનાટ. શંકુ આકારની પૂંઠાની બર્થ-ડે કેપ પહેરીને ફુગ્ગાં ઉડાડી રહ્યાં છીએ અમે.
- Advertisement -
‘ખાસ-ખબર’ એ ગુજરાતી પત્રકારત્વનો એક આખો નવો અધ્યાય છે. નવી પેઢીની વાંચનની આદત છૂટતી જાય છે ત્યારે ગુજરાતી ભાષાનાં આ પ્રથમ ડિજિટલ ટેબ્લોઈડે હજ્જારો-લાખો લોકોને ફરી વાંચતા કર્યા છે- ઑફ્ફકોર્સ, માધ્યમ બદલાયું છે. કાગળની બદલે તેઓ મોબાઈલ સ્ક્રીન પર વાંચે છે. પરંતુ ભાષા એ જ છે. અમે ભાષા સાથે બિલકુલ ચેડાં કરતાં નથી. ગુજલીશ ભાષા અમને ગમતી નથી અને જ્યારે કોઈ વાત મૂકવા પોતીકો ગુજરાતી શબ્દ હોય ત્યાં સુધી હિન્દી શબ્દોને અમે સ્પર્શ કરતાં નથી. બૂંદાબાંદી, હડબડાહટ અને ફિરૌતી જેવાં શબ્દો બહુ ખૂંચે છે વાંચવામાં. ઝરમર કેવો સરસ શબ્દ છે! ફિરૌતીની જગ્યાએ ખંડણી છે જ. ગુજરાતી ભાષા સમૃદ્ધ છે- અખબારને હિન્દી ન્યુઝ ચેનલોમાં ચવાયેલાં શબ્દોની બિલકુલ આવશ્યકતા નથી. હા! ફિલ્મ માટે ચલચિત્ર કે હીરોઈન માટે નાયિકા કે બાઈક માટે ભટભટિયું જેવા શબ્દોનો ઉપયોગ ન કરાય એટલી સમજ અમને છે જ.
‘ખાસ-ખબર’ બદલાયું નથી, તેમાં ઉમેરો ચોક્કસ થયો છે. અગાઉ સોળથી વીસ પાનાં અમે આપતાં, હવે ઓછામાં ઓછા ત્રીસ પાનાં આપીએ છીએ. ધડાકા-ભડાકા ઉપરાંત હવે સોફ્ટ પરંતુ એક્સ્ક્લુઝિવ અને રસપ્રદ અહેવાલો પર પણ અમારી નજર રહે છે. હ્યુમન ઈન્ટરેસ્ટની સ્ટોરીઝ પણ અમારા રડારમાં છે. લે-આઉટ્સ વધુ રૂપકડાં બન્યા છે, સૌરાષ્ટ્ર-ગુજરાતનાં વધુ ને વધુ વિસ્તારના મહત્ત્વપૂર્ણ સમાચારો આપવા અમારા પ્રયત્નો ચાલું છે. જૂનાગઢની તો અલગ આવૃત્તિ જ નીકળે છે, કચ્છની અલગ એડિશન પાઈપલાઈનમાં છે.
અમે વિસ્તરણ પામી રહ્યાં છીએ, વધુ ને વધુ ફેલાઈ રહ્યાં છીએ. મજા એ છે કે, પ્રકાશિત થયાની પાંચમી મિનિટે અમારું અખબાર ભારતભરનાં અને વિશ્ર્વભરનાં લાખો ગુજરાતીઓ સુધી પહોંચી જાય છે. ‘ખાસ-ખબર’નો વાચકવર્ગ ફક્ત ગુજરાત પૂરતો સીમિત નથી. યુનાઈટેડ કિંગ્ડમ, કેનેડા, યુ.એસ. અને ગલ્ફનાં દેશોના ગુજરાતીઓ સુધી એ પહોંચે છે. અને ત્યાંના વાચકો પણ હૃદયપૂર્વક અમને ચાહે છે. તેમનાં તરફથી અમને સતત પ્રતિભાવો મળતાં રહે છે. આ મજબૂત વાચકવર્ગ જ અમારો ઊર્જાસ્ત્રોત છે. વાચકો અમારા માટે શ્ર્વેતકણ, રક્તકણ, ઇ12 અને ઑમેગા ઉ3 છે. કહો કે, મલ્ટી વિટામીન કેપ્સ્યુલ છે.
- Advertisement -
‘ખાસ-ખબર’ એક બાળ માત્ર છે. એવું બાળક- જે 5000 મીટરની રેસમાં પણ ભાગ લઈ શકે છે અને જીતી શકે છે. એ ફૂલ મેરેથોનમાં પણ ઉતરી શકે છે. તેનો શ્રેય વાચકોને જાય છે. બીજી તરફ અમારી પાસે સજ્જ અને સક્ષમ ટીમ છે. તંત્રી વિભાગથી લઈને ડીઝાઈનિંગ ડીપાર્ટમેન્ટમાં અમારી પાસે મારવાડી ઘોડાં છે. આવા અનેક કારણોસર જ ‘ખાસ-ખબર’ આજે એક મોભાદાર સ્થાન પર પહોંચ્યું છે.
તમારું પ્રિય અખબાર ‘ખાસ-ખબર’ ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે અમે આપને ચાર વચનો આપીએ છીએ. 1) અમારા અખબારમાં સમયાંતરે વધુને વધુ પોઝિટિવ સ્ટોરીઝ વાંચવા મળશે. 2) પાનાંની સંખ્યા હવે અગાઉ કરતાં વધુ રહેશે. 3) વધુ કેટલાંક શહેરોમાંથી આવૃત્તિઓ બહાર પડશે અને 4) ટેક્નોલોજીની બાબતોમાં ‘ખાસ-ખબર’ હંમેશા અવ્વલ રહ્યું છે અને રહેશે. શરત એક જ છે : આજ સુધી જેવો સાથ તમે નિભાવ્યો છે એવો જ હંમેશા નિભાવતા રહેજો.