થ્રીસમનો આનંદ માણવાની મહેચ્છા ધરાવતી બે યુવતીઓ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે.
પ્રેમની ચરમસીમાને પાર કરી ચૂકેલી બે યુવતીઓ અન્ય મહિલાઓની સાથે ફક્ત મસ્તી અને ચેન્જ માટે સંબંધ બાંધવાનું પસંદ કરે છે.
મેધા પંડ્યા ભટ્ટ
- Advertisement -
લેટ્સ ડેટની સ્ટોરીમાં ત્રણ અઠવાડિયાનો ગેપ આવી ગયા બાદ આજે બે યુવતીઓના પ્રેમની વાત આપને કરવા જઇ રહી છું. બંને હાલમાં ઉદેપૂર રહે છે. તેમની સાથે મુલાકાત મીટ મી નામની એપ પર થઇ હતી. બંને પોતાના માટે અને એકબીજાના માટે કોઇ નવી મહિલા પાર્ટનરની તલાશમાં હતી. તેમને મળીને, તેમની વાતો સાંભળીને લાગ્યુ કે જો બે મહિલા મિત્રો એકબીજા સાથે લાગણી, વિશ્વાસ અને પ્રેમના સંબંધની જોડાઇ હોય તો તેમને જીવનમાં ખરેખર પુરુષની જરૂર પડતી નથી.
રોશની અને સાક્ષી બંને ફિમેલ (લેસ્બિયન) કપલ છે. બંને દસ વર્ષથી લિવઇનમાં રહે છે. તે બંને એકબીજાના પ્રેમમાં હોવા છતાંય અન્ય ફિમેલને પણ ડેટ કરે છે. બંને વચ્ચે ખૂબ જ સારી સમજણશક્તિ અને સ્ટ્રોંગ બોન્ડિંગ જોવા મળ્યું. રોશની 34 વર્ષની છે અને સાક્ષી 36 વર્ષની છે. બંને નોકરી કરે છે અને પોતાની લાઇફને અન્જોય કરે છે. મૂળ રાજસ્થાનની આ બંને યુવતીઓ હાલમાં લોકડાઉન હોવાના કારણે અને કંપનીમાં વર્ક ફ્રોમ હોમ હોવાના લીધે ઉદેપૂરમાં છે. સાક્ષીનું વ્યક્તિત્વ પુરુષ જેવું છે અને તે પુરુષો જેવા જ કપડાં પહેરીને ફરે છે. તે એટલી જ સ્ટ્રોંગ અને માનસિકતાની દ્રષ્ટિએ પણ પુરુષ જેવી જ છે. જ્યારે રોશની મહિલા તરીકેનું પોતાનું વ્યક્તિત્વ જાળવી ને અનેક નવી મહિલાઓને પણ ડેટ કરે છે.
તેમની સાથેની મુલાકાત મીટ મી પર થઇ ત્યારે રોશની સાથે પહેલા મારે વાત થઇ હતી. તેણે મને મળવા માટે કહ્યું અને અમે વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા શંભુ કાફેમાં મળ્યા. કોફીથી વાતચીતની શરૂઆત થઇ અને તે મને પણ તેના જેવા જ રસની વ્યક્તિ સમજીને ક્યા અને કઇ હોટલમાં મળવું તેવી ચર્ચા કરવા લાગી. મારા ડ્રેસીંગના અને હોઠના વખાણ કરતી વખતે તેની વાતો મને વધારે રસપ્રદ લાગી. પહેલીવાર કોઇ સ્ત્રી પાસેથી સુંદરતાના અદ્ભૂત વખાણ સાંભળવાનો લ્હાવો હું લઇ રહી હતી. જે મારી સાથે પ્રેમ કરવા માટે તત્પર હતી. રોશનીને મેં અધવચ્ચે અટકાવીને મારી ઓળખ આપી. તે બે મિનિટ મને જોતી રહી. તેને મેં તે ફક્ત મારી એક સ્ટોરીનો ભાગ છે તેવું સ્પષ્ટ કહ્યું તો તેના ચહેરાનો ભાવ ફરી ગયો. તરત જ તેણે સાક્ષીને ફોન કર્યો અને પંદર મિનિટની અંદર તો તે એક બ્લ્યૂ બલેનો કાર ત્યાં આવી ગઇ. અમે જ્યાં બેઠા હતા ત્યાં તે આવી અને તેણે મને રીકવેસ્ટ કરી કે આપણે ગાડીમાં બેસીને વાત કરીએ.
- Advertisement -
મારા માટે પહેલા તો આ પરિસ્થિતીને સમજવી મુશ્કેલ હતી કારણકે રોશનીનું જે રીએક્શન હતું, તે થોડું ડરાવી જે તેવું હતું. તેવામાં એક પુરુષ જેવું વ્યક્તિત્વ ધરાવતી યુવતી આવીને તમને મર્દાના છટામાં ગાડીમાં બેસી જવાનું કહે તો થોડો ડર લાગવો સ્વાભાવિક હતો. જોકે અમે ત્રણેય ગાડીમાં બેઠા. હું પાછળી સીટ પર હતી. રોશની તો ગાડીમાં બેસતાની સાથે જ રડવા લાગી. તે ખૂબ ગભરાઇ ગઇ હતી. મને તો પહેલા થયું કે મારાથી કોઇ મોટી ભૂલ નથી થઇ ગઇ ને, જેના લીધે તે રડતી હતી. સાક્ષીએ તેને શાંત પાડી અને મારા તરફ જોઇને કહ્યું કે, રોશની અને હું બંને કપલ છીએ. અમે અમારા ગામથી ભાગીને અહીં આવીને રહીયે છીએ. બંને નોકરી કરીયે છીએ અને એકબીજાને ગમે તેવી રીતે એકબીજાને જીવવા દઇએ છીએ. રોશનીને તમે પત્રકાર છો તેમ કહ્યું તેથી તે ગભરાઇ ગઇ કે ક્યાંક તેની વાતો બહાર ન આવી જાય. અમે બંને રાજસ્થાનના એક નાના ગામમાં રહેતા હતા. સાથે જ મોટા થયા અને એકબીજા પ્રત્યે આકર્ષણ હોવાથી અમને પ્રેમ થઇ ગયો.
સાક્ષીએ વાત આગળ કહી, અમારી બંનેની મુલાકાતો અને એકબીજા સાથેની દોસ્તી સામે ગામના લોકો અને અમારા પરિવારને વાંધો હતો. રોશનીના તો બળજબરીથી લગ્ન પણ કરાવી દેવામાં આવ્યા હતા. તેનો પતિ રોજ તેના પર બળજબરી કરતો અને તે મને કહેતી. હું તેને મળવા તેની સાસરીના ગામે પણ જતી. ત્યાં પણ લોકોને અમારા સંબંધની જાણ થઇ જતા, રોશનીને સળગાવી દેવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો પણ તે બચી ગઇ. (આ વાત સાંભળતી વખતે મને ધ્યાનમાં આવ્યું કે રોશનીના ડાબા હાથમાં દાઝેલાનો નાનો ડાઘ મેં જોયો છે.) આ ઘટના પછી હું મારા પ્રેમને વધારે હેરાન થાય તેવું નહોતી ઇચ્છતી. તેથી અમે બંને ગામ છોડીને ભાગી ગયા. છેલ્લા દસ વર્ષથી સાથે છીએ. અમદાવાદમાં સારી નોકરી કરીયે છીએ. જરૂરીયાત પૂરતું કમાઇ લઇએ છીએ. રોશની અને હું શરૂઆતમાં ફક્ત એકબીજા માટે જ હતા પણ સમય જતા અમારો પ્રેમ એ હદે મજબૂત બન્યો છે કે અમે બંને એકબીજાને જો કોઇ અન્ય મહિલા સાથે સમય પસાર કરવો હોય તો તેની અનુમતી આપી દીધી છે.
મને તો બંનેની વાતો સાંભળીને બે ઘડી શૂન્ય થયા જેવું લાગ્યું. જે પ્રેમની સાથે રહેવા માટે બંનેએ આટલી મુશ્કેલીઓનો સામનો કર્યો તે પ્રેમને તમે કોઇની પણ સાથે કેવી રીતે વહેચી શકો તે વાત મારા ગળે જ નહોતી ઊતરતી. મનમાં આવ્યું અને મેં પૂછી લીધુ તો તેનો જવાબ રોશનીએ આપ્યો, મેધા અમે બંને એકબીજાને નાનપણથી પ્રેમ કરીએ છીએ અને આજીવન સાથે જ રહીશું. સાક્ષીને મારા માટે જે લાગણી છે અને મને તેના માટે જે પ્રેમ છે તે અમને અન્ય કોઇના માટે થવાનો નથી તે સ્પષ્ટ છે. જો લાઇફમાં થોડીઘણી મસ્તી અને ચેન્જ સ્વીકારીએ તો તેમાં કોઇ જ વાંધો નથી. અમે જે પણ કરીએ છીએ તે એકબીજાને જાણ કરીને કરીયે છીએ. અમે બીજી સ્ત્રીઓ પાસેથી જે મેળવીએ છીએ તે ફક્ત મસ્તી માટેની વાત છે, બાકી અમે બંને એકબીજાને સંપૂર્ણ સંતોષ આપી શકીએ છીએ. અમને બંનેને એકબીજાનો સ્પર્શ આકર્ષે છે. સાક્ષીનું મર્દાના શરીર અને તે જે રીતે મારા શરીરના દરેક અંગને સ્પર્શે છે, તેવો સ્પર્શ તો મને મારા પતિએ પણ ક્યારેય કર્યો નથી. એક પુરુષના સ્પર્શ કરતા મને તેનો મજબૂત હાથ વધારે અકળાવી દે છે.
બે સ્ત્રીઓ એકબીજાને તન, મનથી સંપૂર્ણ સંતોષ અને પ્રેમ આપ્યા બાદ પણ અન્ય સ્ત્રીઓ સાથે પોતાની જાતને પ્રેમથી, એકબીજાની ઇચ્છાથી, એકબીજાની અનુમતિથી વહેંચી શકે છે, તે મારા માટે ખૂબ જ અઘરી અને નવાઇની વાત હતી. કારણકે સ્ત્રીમાં તો ઇર્ષ્યાનો ગુણ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. તે અંગે મેં પૂછ્યું તો સાક્ષીએ કહ્યું કે અમે બંને અમારી ઉંમરની સાથે સાથે વધારે મેચ્યોર બન્યા છીએ. અમે બંને અમારા મનની વાતો હંમેશાથી એકબીજાને સ્પષ્ટ રીતે કહેતા આવ્યા છીએ. ડેટીંગ એપ વિશે મેં જ રોશનીને કહ્યું હતું અને અમે એકબીજાને કોઇ નૂકસાન ન થાય તે રીતે ફિમેલ પાર્ટનર શોધીને મદદરૂપ બનીએ છીએ. જોકે આ અમે જ્યારે મૂડ હોય તો જ કરીએ છીએ. અત્યાર સુધીમાં મેં સાત અને રોશનીએ ચાર મહિલાઓને ડેટ કરી છે. જોકે સ્ત્રી સાથેના સંબંધમાં દુખી થવાનો કે એકબીજાને છેતરવાનો ભય ઓછો રહે છે. તેમજ શરીરથી વપરાય ગયા, ઉપયોગ થઇ ગયો અને ઉપયોગ કરી લીધો જેવી ભાવના પણ ઊભી થતી નથી. જ્યારે કોઇ પુરુષ સાથેના સંબંધમાં આ વિચાર પહેલા આવે છે. તેથી અમને બંનેને સ્ત્રી મિત્રો જ વધારે પસંદ છે. હવે અમારે કોઇ ત્રીજી મહિલાને અમારી સાથે જોડીને થ્રીસમનો આનંદ માણવો છે. તેથી બંને જણા તેની શોધમાં છીએ.
બંને સાથે વાત કરવામાં ત્રણ-ચાર કલાક જેટલો સમય પસાર થઇ ગયો. છેલ્લે બંને મને મારા ઘરે મૂકી ગયા અને તે પછી અમે વિડીયો કોલમાં વાતો કરીને સંપર્કમાં રહીયે છીએ. બે નવી સ્ત્રી મિત્રોનો મને પરિચય થયાનો આનંદ તો છે જ સાથે મને નવી વાતો એ શીખવા મળી કે એક સ્ત્રી બીજી સ્ત્રી માટે હંમેશા ઇર્ષ્યાનો ભાવ જ રાખીને જીવે યે પણ યોગ્ય નથી. આપણે નોર્મલ જીવન જીવતા લોકોએ પણ આમની પાસેથી શીખવા જેવું છે કે જીવનમાં સ્ત્રી મિત્ર પણ ભરોસાપાત્ર બનાવી શકાય છે. જરૂરી નથી કે ખાસ સ્ત્રી મિત્ર હોય તો પ્રેમનું કે સેક્સનું આકર્ષણ થવું જ જોઇએ. લાગણી, કાળજી અને હૂંફનો સંબંધ પણ બે મહિલાઓની સાચી મિત્રતાનું પ્રતિક બની જતું હોય છે.
સમજવા જેવું –
એક સ્ત્રી હંમેશાથી બીજી સ્ત્રીની દુશ્મન રહી છે, તે વાત વર્ષોથી જાણીએ છીએ ત્યારે એકબીજાને આ હદ સુધી પ્રેમ કરનારી સ્ત્રીઓની સંખ્યા કેમ વધી રહી છે, તે પણ પ્રશ્ન છે. હું સાક્ષી અને રોશની જેવા સાતથી આઠ લેસ્બિયન કપલને અને યુવતીઓને મળી છું જે પુરુશપ્રધાન સમાજમાં સ્ત્રીઓના સાનિધ્ય, પ્રેમ, હૂંફ અને લાગણી સાથે જીવવાનું પસંદ કરી રહી છે. આવી વ્યક્તિઓને સમાજમાં સ્થાન નથી અપાતું પણ સમાજમાં આ રીતે લાગણીનું વહેંચાઇ જવાનું કારણ શું તે સમજવાનો અને આવી વ્યક્તિઓને સ્વીકારવાનો પ્રયત્ન કોઇ કરતું નથી.