વાલ્મિકીજીનાં મનમાંથી હનુમાનજીએ લખેલા પ્રસંગો હટતા જ નહોતા. એવું કહેવાય છે કે વર્ષો બાદ વાલ્મિકી જ તુલસીદાસજી રૂપે પ્રગટ થયા
હનુમાનજીએ લખેલા જે પ્રસંગો મનમાં રમતા હતા એ લોકભોગ્ય અવધી ભાષામાં ‘શ્રી રામચરિત માનસ’ રૂપે જગતને ભેટ તરીકે મળ્યા
- Advertisement -
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનાં જીવન પર અનેક ‘રામાયણ’ લખાયેલી છે, પરંતુ સૌથી વધુ લોકભોગ્ય રામાયણ ગોસ્વામી તુલસીદાસજીની છે. તુલસીકૃત રામાયણ એટલે જ ‘શ્રી રામચરિત માનસ’. એક એવી કથા છે કે રાવણ વધ પછી પ્રભુ શ્રી રામ અયોધ્યા પરત ફર્યા. ત્યારબાદ શ્રી હનુમાનજી મહારાજ નિયમિત રીતે અમુક સમય માટે એક દુર્ગમ પર્વત પર જતા રહેતા અને પોતાના મજબૂત નખથી પહાડની શીલાઓ પર ભગવાન શ્રીરામનાં વિવિધ જીવનપ્રસંગોનું આલેખન કરતા. આ વાતની જાણ વાલ્મિકીજીને થઈ ત્યારે એમને ઉત્કંઠા જાગી કે, હનુમાનજીની લેખનશૈલી કેવી હશે ? એક દિવસ વાલ્મિકીજી એ દુર્ગમ પર્વત પર પહોંચી ગયા. હનુમાનજીએ પ્રભુ રામજીના જે જીવનપ્રસંગો લખેલા હતા એ વાંચીને વાલ્મિકીજી ખૂબ જ રાજી થયા; પરંતુ થોડી જ વારમાં ચહેરા પરનો એ આનંદ અદૃશ્ય થઈ ગયો. હનુમાનજીએ આમ થવાનું કારણ પૂછ્યું એટલે વાલ્મિકીજીએ કહ્યું, હું પણ પ્રભુ શ્રીરામનાં જીવનપ્રસંગોનો ગ્રંથ ‘રામાયણ’ તૈયાર કરું છું; પરંતુ તમે જે પ્રસંગો લખ્યા છે, એ એટલા રોચક છે કે લોકો મારી ‘રામાયણ’ નહીં વાંચે.
આ સંભાળતા જ હનુમાનજીએ જે જે શીલાઓ પર પ્રસંગો લેખેલા હતા તે શીલાઓ ઉપાડીને સમુદ્રમાં ફેંકી દીધી અને વાલ્મિકીજીને કહ્યું, મારી રચના સમુદ્રમાં પધરાવી દીધી છે. હવે લોકો આપની રચના જ વાંચશે. વાલ્મિકીજીનાં મનમાંથી હનુમાનજીએ લખેલા પ્રસંગો હટતા જ નહોતા. એવું કહેવાય છે કે વર્ષો બાદ વાલ્મિકી જ તુલસીદાસજી રૂપે પ્રગટ થયા અને હનુમાનજીએ લખેલા જે પ્રસંગો મનમાં રમતા હતા એ લોકભોગ્ય અવધી ભાષામાં ‘શ્રી રામચરિત માનસ’ રૂપે જગતને ભેટ તરીકે મળ્યા. રામચરિત માનસમાં કુલ સાત કાંડ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્ક્ધિધાકાંડ, સુન્દરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ પૈકી શ્રી હનુમાનજી મહારાજની ભક્તિ અને સમર્પણ સાથે જોડાયેલા સુન્દરકાંડનાં પાઠનું હિંદુઓમાં અનેરું મહત્ત્વ છે.
શ્રી રામચરિત માનસની ચોપાઈઓ આપણા સામાજિક જીવન સાથે એવી ગૂંથાયેલી છે કે નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઇકોર્ટે ચુકાદો આપતી વખતે ઘણી વખત માનસની ચોપાઈઓ પણ ટાંકે છે. તુલસીદાસજીએ વિક્રમ સંવત 1631ની રામનવમીનાં દિવસે ‘શ્રી રામચરિત માનસ’ લખવાનો પ્રારંભ કરેલો અને બે વર્ષ, સાત મહિના અને છવ્વીસ દિવસ બાદ વિક્રમ સંવત 1633ના રામવિવાહનાં દિવસે લેખનકાર્ય પૂર્ણ કરેલું હતું. વાલ્મિકીજીએ જે રામાયણ લખી છે, એમાં શ્રીરામને માનવ તરીકે નિરૂપ્યા છે; જ્યારે તુલસીદાસજીએ જે શ્રી રામચરિત માનસ લખ્યું છે, એમાં શ્રીરામને વિષ્ણુના અવતાર તરીકે નિરૂપ્યા છે એટલે તુલસીજીના શ્રી રામચરિત માનસે લોકોના હદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
- Advertisement -
ભક્તિથી તરબોળ માનસ સાહિત્યની ઉત્તમ કૃતિ ગણાય છે. અત્યંત સરળ રીતે શ્રી તુલસીદાસજીએ ખૂબ ગહન વાતો કરી છે, જે માનવજીવનને ઉન્નત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં હિંદુઓ વસે છે, ત્યાં ત્યાં શ્રી રામચરિત માનસની કથા પણ થતી રહે છે; જે નવ દિવસ સુધી ચાલે છે. શ્રી રામચરિત માનસમાં ભગવાન શ્રી રામની કથા કહેતા કહેતા ગોસ્વામી તુલસીદાસજીએ પ્રસંગને અનુરૂપ અદ્ભુત જીવનસૂત્રો આપ્યા છે. માનસની અનેક ચોપાઈઓમાંથી વીણેલા મોતી જેવી આ 25 ચોપાઈઓ આપણને સૌને અર્થપૂર્ણ જીવન જીવવાની નવી રાહ બતાવશે એવી પૂરી શ્રદ્ધા છે. (જે હવે દર શનિવારે વાંચવા મળશે)



