ટાટ સેક્ધડરીનું પરિણામ જાહેર
ખાસ-ખબર સંવાદદાતા
ધોરણ 9 અને 10 માટેની શિક્ષક અભિરુચી કસોટી (ટાટ-જ)ના પરિણામ અંગે શિક્ષમંત્રી કુબેર ડિડોર દ્વાર ટ્વીટ કરાયાં બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામની વિગતો જાહેર કરાઈ હતી. પરીક્ષા બોર્ડે જાહેર કરેલા પરિણામ મુજબ મેઈન્સમાં ઉપસ્થિત રહેલા કુલ 59,448 ઉમેદવારોમાંથી માત્ર 5,639 એટલે કે, 9.48 ટકા ઉમેદવારોએ 200માંથી 140 કરતાં વધુ માર્કસ પ્રાપ્ત કર્યા છે.
- Advertisement -
મહત્વનું એ છે કે, આ પરિણામ બાદ હવે શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ 120 માર્કસના કટઓફ અન્વયે આગામી સમયમાં ધોરણ 9 અને 10ના શિક્ષક માટેની જે ભરતી આવશે તેમાં માત્ર 23,497 ઉમેદવાર અરજી કરી શકશે. આમ પ્રિલિમ્સ અને મેઈન્સના મળીને કુલ 1,21,655 ઉમેદવાર નાપાસ થયા છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 9 અને 10ના શિક્ષક માટે ગત 4 જુનના રોજ પ્રિલિમ્સ યોજવામાં આવી હતી. તેનું પરિણામ 13 જુનના રોજ જાહેર કરાયું હતું. જેમાં કુલ 1,45,152 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. પ્રિલિમ્સમાં 200માંથી 70 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર 60,566 ઉમેદવારોને મેઈન્સ માટે લાયક ઠેરવવામાં આવ્યાં હતા. પ્રિલિમ્સમાં કુલ ઉમેદવારોમાથી 5,208 એટલે કે, 3,59 ટકા ઉમેદવારોને જ 200માંથી 120 કરતાં વધુ માર્કસ આવ્યાં હતાં.
પ્રિલિમ્સ બાદ મેઈન્સ 18મી જૂનના રોજ ગોઠવવામાં આવી હતી પરંતુ બાદમાં તારીખ બદલાતાં 25મી જૂનના રોજ લેવામાં આવી હતી. મેઈન્સમાં રાજ્યમાંથી કુલ 59448 ઉમેદવાર ઉપસ્થિત રહ્યાં હતા. આ પરીક્ષામાં પાસ-નપાસનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. પરંતુ જાહેરનામામાં એવી સ્પષ્ટતા કરાઈ છે કે, 60 ટકાથી વધુ માર્કસ મેળવેલ ઉમેદવારોનો જ ભરતીના મેરીટમાં સમાવેશ કરવામાં આવશે. આજે જાહેર થયેલાં પરિણામમાં 200માંથી 110 કે તેથી વધુ માર્કસ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 44,111 નોંધાઈ છે.