તળિયાઝાટક થયેલી તિજોરી ભરવા નાદાર નગરપાલિકા તંત્ર ઊંધામાથે
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી નગરપાલિકા સુપરસિડ થયા બાદ છેલ્લા ચાર મહિનાથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. ભાજપની ચૂંટાયેલ બોડીનું શાસન હોય કે પછી વહીવટદારનું ! લોકોને મળવી જોઇએ તે સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. વહીવટદાર છેલ્લા ત્રણ મહિનાથી પાલિકાનું સ્વ ભંડોળ સાવ ખાલી થઈ ગયું હોવાનું અને લાઈટ બિલ કે કર્મચારીઓના પગાર કરવાના રૂપીયા પણ ન હોવાનું જણાવીને લોકોને બાકી ટેકસ ભરવાની અપીલ કરી રહ્યા છે તો ચાલુ વર્ષનો એડવાન્સ ટેકસ ભરવા માટે બિલ મોકલવાની કામગીરી પણ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં પાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહમાં 20,000 જેટલા બિલ પોસ્ટ થકી આસામીઓને પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
વહીવટી અણઆવડતને કારણે ખોટના ખાડામાં ગરક થયેલ મોરબી નગરપાલિકામાંથી ભાજપના શાસનનો અંત આવવાની સાથે જ પાલિકામાં વહીવટીદારનું શાસન આવતા હાલમાં નગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે જેથી તળિયા ઝાટક થઈ ગયેલી તિજોરી ભરવા કરવેરા પર એકમાત્ર આધાર હોય કરદાતાઓને નોટિસ ફટકારવાનું પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. મોરબી નગરપાલિકાનું સ્વભંડોળ ખૂબ જ ઓછું હોય કર્મચારીઓના પગાર તેમજ વીજ બીલ સહિતના ખર્ચાઓ ચુકવવા પણ પાલિકા પાસે પૈસા નથી એ વાસ્તવિકતા છે. આવી સ્થિતિમાં પ્રજાકીય કામો ક્યાંથી થઈ શકે ? ત્યારે હવે આસામીઓ પાસેથી વેરા વસૂલવા માટે પાલિકાએ તમામ કરદાતાઓને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે જેમાં વર્ષ 2023-24 ના કરવેરા બાકી હોય તેવા આસામીઓ પાસેથી ઉઘરાણી શરૂ કરવામાં આવી છે.
ગત વર્ષના વેરાની 6.5 કરોડની ઉઘરાણીમાંથી 25% રકમની વસૂલાત
મોરબી નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પગલે શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે તે વાસ્તવિકતા છે ત્યારે હવે નાગરીકો પણ વેરા ભરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ગત વર્ષનો વેરો ભરવાનો બાકી હોય તેવા 450 જેટલા આસામીઓને અગાઉ પાલિકા દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી જેમાં આશરે 6.5 કરોડની કરવેરાની ઉઘરાણીમાંથી 25 ટકા જેટલી રકમની હજુ સુધીમાં વસૂલાત થઈ છે જ્યારે બાકી રહેલા કરદાતાઓ પાસેથી વેરાની વસૂલાત કરવા પાલિકાએ કમર કસી છે.
છેલ્લી ઘડીએ ઉઘરાણીનો ધોકો પછાડતી પાલિકા પાસે તિજોરી ભરવા માટે વેરા વસૂલાત જ ઉપાય ?
હાલમાં મોરબીના કરદાતા આસામીઓને પોસ્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 20 હજાર જેટલા આસામીને નોટિસ પણ આપવામાં આવી છે જેમાં 63,733 રહેણાંક અને 23,173 બિન રહેણાંક એટલે કે કોમર્શિયલ કરદાતાઓ નોંધાયેલા હોય એ તમામને વેરાબિલ આપવાની કાર્યવાહી ચાલી રહી છે જો કે દર વર્ષે પાલિકા તંત્ર કરવેરાની ઉઘરાણી કરવા છેલ્લી ઘડીએ ધોકોપછાડતું હોય છે પરંતુ આ વખતે ખાલી તિજોરી ભરવા આ એક જ ઉપાય બચ્યો હોય તેમ મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા અત્યારથી કમર કસવામાં આવી છે.