ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં આગામી તા. 9 થી 15 ઓગસ્ટ દરમિયાન મારી માટી, મારો દેશ અભિયાન યોજાનાર છે.આ કાર્યક્રમની ઉજવણી સંદર્ભે જૂનાગઢ પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં મારી માટી, મારો દેશ અભિયાન ની ઉજવણી ભવ્ય રીતે થશે. આ અભિયાન અંતર્ગત શીલાફલકમનું સમર્પણ, પંચપ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, વીરો કો વંદન, ધ્વજવંદન જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.જૂનાગઢ જિલ્લાના દરેક ગામના સ્વાતંત્ર સેનાનીઓ, વીર શહીદોની યાદમાં સ્મારક તકતીનું નિર્માણ કરાશે. તેમજ દરેક ગામમાં 75 વૃક્ષો વાવીને વસુધા વંદનનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સંરક્ષણ કર્મચારીઓ, સીઆરપીએફ, રાજ્ય પોલીસ કર્મચારીઓ સ્વતંત્રતા સેનાનીઓના પરિવારોનું પણ સન્માન કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના 493 ગામ ખાતેથી માટીનો એક કળશ તાલુકા કક્ષાએ એકત્ર કરી આ માટીને દિલ્હી પહોંચાડવામાં આવશે.