ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના રફાળેશ્વર ગામથી મકનસર જવાના રસ્તેથી મોરબી તાલુકા પોલીસે 45 ડેબિટ, ક્રેડિટ કાર્ડ અને 15 ચેકબુક સાથે હરિયાણાના શખ્સને દબોચી લીધો હતો અને પોલીસે હાલ આટલા બધા કાર્ડ તથા ચેકબૂક ક્યાંથી આવી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે રફાળેશ્વરથી મકનસર તરફ જતા રસ્તા ઉપર ક્રિષ્ના વિજય સીરામીક નજીકથી બાઇક ઉપર પસાર થતા ફુનુસ હબીબભાઈ મેવું (રહે. હાલ મકનસર, મૂળ હરિયાણા) ને બાઇક સાથે ઝડપી લઈને તલાશી લીધી હતી.
પોલીસની તલાશી દરમિયાન આરોપી પાસેથી જુદી જુદી બેન્કના એટીએમ, ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ મળી 45 કાર્ડ અને 15 જેટલી ચેક બુક મળી આવી હતી જેથી મોરબી તાલુકા પોલીસે હાલ શંકાસ્પદ કાર્ડ અને ચેકબુક સાથે આરોપીને ઝડપી પાડ્યા હોવાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ આટલા બેન્કના એટીએમ કાર્ડ અને ચેકબુક ક્યાંથી આવી ? ચોરી કરી છે કે કેમ, તેમજ આ એટીએમ કાર્ડથી નાણાકીય વ્યવહાર કર્યા કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.